જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટો અનિયમિત થતાં મુસાફરો, વેપારીઓ અને અન્ય ઘણા પ્રવાસીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. જો કે હાલમાં 23 માર્ચ બાદ રાબેતા મુજબ ફ્લાઈટ શરૂ થવાનું આશ્વાસન એરપોર્ટ ડાયરેકટરે આપ્યું હતું.
અમદાવાદ, દીવ, મુંબઈ જતી ફ્લાઈટો અનેક વખત થઈ રદ
તમને જણાવી દઈએ કે જુનાગઢ જિલ્લામાં એકમાત્ર કેશોદ એરપોર્ટ થોડો સમય પહેલા જ કાર્યરત થયું છે. ત્યારે જુનાગઢ ગીર સોમનાથ તેમજ પોરબંદર અને દ્વારકા ફ્લાઈટ મારફત જતા મુસાફરો કેશોદ એરપોર્ટનો મુસાફરી માટે લાભ લેતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટો અનિયમિત થતાં મુસાફરો વેપારીઓ અને પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. વારંવાર ટેકનિકલ ખામીના કારણે કેશોદ એરપોર્ટ પર અમદાવાદ, દીવ, મુંબઈ જતી ફ્લાઈટો રદ કરવામાં આવે છે.
એરપોર્ટ ડાયરેક્ટરે આપ્યું આશ્વાન
જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોક માગ ઉઠી છે કે વહેલી તકે કેશોદ એરપોર્ટ પર ફલાઈટોને નિયમિત કરવામાં આવે તો બીજી તરફ આ બાબતે કેશોદ એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવવાના કારણે ફ્લાઈટો રદ થતી હોય છે, ત્યારે આગામી 23 માર્ચથી કેશોદ એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ થશે, તેમજ આગામી સમયમાં પણ ફ્લાઈટો રદ ન થાય તેવા તમામ પ્રયત્નો એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.