- રાજકોટ ગેમઝોનની ગોઝારી ઘટનાને પગલે તંત્ર જાગ્યું
- મામલતદાર, પાલિકા અને એમજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરાયું
- ફાયર સેફ્ટી બાબતે બેપરવાહ જોવા મળતું વહીવટીતંત્રએ બે દિવસમાં જ એક્શન મુડમાં આવી ગયું
કાલોલમાં ગેમઝોનની ગોઝારી ઘટનાને પગલે કાલોલ મામલતદારે ફાયર બ્રિગેડ સાથે ફાયર સેફ્ટી અંગે ચેકિંગ કરતા તસવીરમાં જણાય છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું સૂઝે તેમ રાજકોટ સ્થિત ગેમઝોનની ગોઝારી ઘટનાને પગલે ફાયર સેફ્ટી બાબતે ઉંઘમાંથી જાગેલું કાલોલનું વહીવટીતંત્ર એક્શનમાં આવીને હવે સિનેમા ઘરોમાં અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાબતે ચેકીંગ કરતું જાણવા મળે છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનની બિલ્ડિંગમાં ઘટેલી આગની ગોઝારી ઘટનાને પગલે નાના બાળકો સહિત 33 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે ગેમઝોનમાં ફાયર સેફ્ટી બાબતે કોઈ NOC જ નહીં હોવાને કારણે નિદ્રાધીન તંત્રની પોલ ખોલી જતાં ફાયર સેફ્ટી બાબતે બેપરવાહ જોવા મળતું વહીવટીતંત્રએ બે દિવસમાં જ એક્શન મુડમાં આવી ગયું છે. રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ વિવિધ શહેરોમાં વહીવટીતંત્ર સફળું ઊંઘમાંથી જાગતા તાત્કાલિક અસરથી વિવિધ જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સોમવારે કાલોલ મામલતદાર, કાલોલ એમ.જી.વી.સી.એલ અને કાલોલ નગરપાલિકાની ટીમ દ્વારા ફાયરબ્રિગેડના જવાનો સાથે શહેરમાં આવેલ વિજય ટોકીઝ, સિનેમાસીટી, પૂજા હોસ્પિટલ અને સુપેડા હોસ્પિટલ જેવા પબ્લિક પ્લેસના સ્થળોએ ફાયર સેફ્ટીને લઈને અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પૂર્વે સુરતમાં ઘટેલી આગની ગોઝારી ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સમયે ચેકીંગ હાથ ધરીને અગ્નિશામક બોટલો (ફાયર એકસ્ટીનગ્યુશર) મુકવામાં આવ્યા હતા જે હવે પાંચ વર્ષ પછી યાદ આવ્યા છે. કાલોલ શહેરની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની મર્યાદિત બોટલ જોવા મળે છે. તદ્ઉપરાંત આગ લાગે ત્યારે ફાયર બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે તાલીમબધ્ધ કોઈ કર્મચારી પણ નથી. ત્યારે કોઈવાર આગની દુર્ઘટના ઘટે તો ત્રણ ચાર બોટલોથી આગ બુઝાવી શકાય કે કેમ એ મોટો સવાલ બની શકે છે. કચેરીઓના ટોયલેટમાં જ પાણી નથી હોતું, તેથી આગ લાગે ત્યારે કુવો ખોદવો પડે તેવી કફેડી હાલત જોવા મળે છે.