- રૂા. 3.64 કરોડના માતબર ખર્ચે ચાલતુ બ્યુટીફ્કિેશનનું કામ
- અંડરપાસ પાઈપલાઈન અને તળાવની સાઈટ્સનું ધોવાણ થઇ ગાબડાં પડયા
- તળાવની ચોમેરની હાલ પૂરતી પુરાંત કામગીરીને પહેલા જ વરસાદે ધોવાણ થઇ જતાં પાલિકા તંત્રની પોલ ખોલી ગઇ છે
કાલોલ શહેરમાં રૂા. 3.64 કરોડના માતબર ખર્ચે પાછલા દોઢ વર્ષથી સેન્ટર તળાવના બ્યુટીફ્કિેશનની કામગીરી ચાલી રહી છે. આ દરમ્યાન તાજેતરમાં પહેલા વરસાદે જ વરસાદી પાણીના આવકની અંડરપાસ પાઈપલાઈનની કામગીરીમાં ઘોવાણ થઈને ગાબડાં પડી જતાં કામગીરીની પોલ ખોલી નાખી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેર મધ્યે આવેલા સરકારી તળાવ ક્ષેત્રમાં શહેર વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 364 લાખની રકમ ફાળવીને તળાવ બ્યુટીફ્કિેશન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે.
જોકે પાછલા દોઢ વર્ષથી ચાલી રહેલી મંથરગતિની કામગીરીને પગલે સમગ્ર પ્રોજેક્ટ હાલ અડધે સુધી પહોંચ્યો છે.
જે મધ્યે તાજેતરમાં સોમવારે રાત્રે ગાજવીજ સાથે આવેલા ધમાકેદાર વરસાદને પગલે બ્યુટીફ્કિેશનની આસપાસની સાઈડમાંથી વરસાદી પાણીના આવક માટે બનાવવામાં આવેલી અંડરપાસ પાઈપલાઈનની કામગીરી અને તળાવની સાઈટ્સનું ધોવાણ થઇને મોટા ગાબડાં પડી ગયાં છે.
સાઈટ્સનું ધોવાણ થઈ જતાં નીચે દબાવેલા અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનના નાળાં પણ બહાર આવી ગયા છે. આમ બ્યુટીફ્કિેશનના તળાવની ચોમેરની હાલ પૂરતી પુરાંત કામગીરીને પહેલા જ વરસાદે ધોવાણ થઇ જતાં પાલિકા તંત્રની પોલ ખોલી ગઇ છે. તદ્પરાંત જવાબદાર કોન્ટ્રાકટરની કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે.
કાલોલમાં શહેરી વિકાસની વિવિધ યોજના અધૂરી
કાલોલ નગરમાં છેલ્લા દશેક વર્ષથી શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ પીક પોઈન્ટ તળાવ, મીની સાયન્સ સિટી અને ભૂગર્ભ ગટર યોજના જેવી કરોડો રૂપિયાની યોજનાઓ હજુ સુધી અંજામ સુધી પહોંચી નથી. ત્યારે હવે વધુ એક તળાવ બ્યુટીફ્કિેશનની કામગીરી પૂર્ણ રીતે સાકાર થશે કે કેમ તે અંગે નગરજનોમાં તર્કવિતર્કો થઈ રહ્યા છે.