કલોલ તાલુકાના રકનપુર ગામે આવેલ એક ગોડાઉનમાં વિદેશી દારૂ બિયરનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે વિઝીલન્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પોલીસે દરોડો પાડતા હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે તમામને સ્થળ ઉપર કોર્ડન કરી લીધા હતા. પોલીસે ગોડાઉનમાંથી દારૂ ભરવા માટે આવેલા પાંચ વાહનો તથા વિદેશીદારૂ અને બિયરની 27529 નંગ બોટલ મળી કુલ રૂા. 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગોડાઉનનો સંચાલક સહિત અન્ય સાત શખસોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરવા માટે તજવીજ હાથધરી છે.
કલોલના સાંતેજ પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાંતેજ પાસે આવેલ રકનપુર ગામે સન એગ્રો નામની ફેકટરીની સામે આવેલ ગોડાઉનમાં મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશભાઈ પટેલ (રહે. અમદાવાદ વાળો) પોતાના મળતીયા માણસો મારફતે વિદેશી દારૂની ગાડી મંગાવેલ છે અને ટ્રકમાંથી દારૂના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી નાના વાહનો મારફતે સપ્લાય કરવાની કામગીરી ચાલી રહી છે. તે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. પોલીસ ગોડાઉનમાં પહોંચી ત્યારે એક ટ્રકમાંથી મજૂરો ગોડાઉનમાં માલ ઉતારી રહ્યા હતા. પોલીસે તમાને કોર્ડન કરી લીધા હતા. અને ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવતા ટ્રકમાંથી અને ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ ટ્રકો મારફતે સાંતેજ પોલીસ મથકે ખસેડયો હતો. ત્યાં તેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વિદેશી દારૂ અને બિયરની કુલ 27,529 બોટલ જેની કિંમત રૂપિયા 73,67,040 મળી આવી હતી. આ ઉપરાંત દારૂ ભરવા માટે આવેલા 5 અલગ અલગ વાહનો પણ મળી આવ્યા હતા. પોલીસે દારૂ તથા વાહનો મળી કુલ રૂપિયા 1,08,23,048નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી 7 લોકોની ધરપકડ કરી હતી. અને તેમની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર થઈ ગયેલા અન્ય 7 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરાર આરોપીઓ સામે અન્ય પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે
દરોડામાં ફરાર આરોપીઓ મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશભાઈ પટેલ (રહે. અમદાવાદ વાળા) સામે અમદાવાદ માં બે તથા સાંતેજ માં એક દારૂ અંગેના ગુના નોંધાયેલા છે. તેમજ આરોપી નરેન્દ્ર પ્રેમજી પાટીદાર સામે અમદાવાદ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. જ્યારે આરોપી રાજેશ ઉર્ફે રાજારામ શ્રીરામ યાદવ સામે પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું માલુમ પડયું છે.
ઝડપાયેલા શખ્સોના નામ
1) અલ્પેશ રૂઘનાથભાઈ બારોટ (રહે. અવનીશ સાઈડ શીલજ અમદાવાદ)
2) દિલીપ ઉર્ફે દિપક રૂઘનાથભાઈ બારોટ (રહે. અવનીશ સાઈડ શીલજ અમદાવાદ)
3) અર્જુન પ્રતાપ મીણા (રહે. પકવાન બ્રિજ નીચે અમદાવાદ)
4) અંકુર નપેસિંગ ગુર્જર (રહે. રકનપુર બ્રિજ નીચે ગામ સાંતેજ)
5) રાજેશ ઉર્ફે રાજારામ શ્રીરામ યાદવ (રહે. વૃંદાવન નગર નરોડા,અમદાવાદ)
6) તિલોકેશ ઉર્ફે જનક રસીકલાલ કડીયા (રહે. ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બોપલ અમદાવાદ)
7) રણજીતસિંહ આસુસીંગ રાવત (રહે. બેલ અપના તાલુકો રાયપુર બ્યાવર)
ફરાર થઇ ગયેલા શખ્સોના નામ
1) મૌલિક ઉર્ફે પપ્પુ જગદીશભાઈ પટેલ (રહે.અમદાવાદ)
ર) વિકાસ (રહે.અમદાવાદ)
3) નરેન્દ્ર પ્રેમજી પાટીદાર
4) લાલસિંહ
પ) ટ્રક નંબર એમ.એચ. 14 એચ.યુ. 1099 નો માલિક
6) મીની ટ્રક નંબર જીજે 27 ટીટી 2266 નો માલીક
7) મીની ટ્રક નંબર જીજે 18 બી.ટી 4528 નો માલીક