કાલોલ તાલુકાના નેવરીયાથી રતનપુરા ધંતેજ તરફ જતી નર્મદા માઈનોર કેનાલમાં પાણી વધુ એકવાર નેવરીયા ગામની સીમમાં કરેલ સમારકામ તૂટીને સર્જાયેલા ઓવરફ્લોથી કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતાં ઉભા પાકોને નુકસાન પહોંચાડે તેવી હાલત સર્જાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના નાવરીયા સ્થિત નર્મદા માઈનોર કેનાલનું સમારકામ તોડીને પાણી ઓવરફ્લો થઇને આસપાસના ખેતરોમાં ઘુસી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમસ્યા અંગે અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ પાછલા પંદરેક વર્ષથી વકરતી જોવા મળે છે, જે અંગે જવાબદાર નર્મદા નિગમના તંત્રને રજૂઆત કર્યા પછી દર વર્ષે તંત્ર દ્વારા લાખો રૂપિયા ફાળવીને સમારકામ કરવામાં આવે છે પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા સમસ્યાના કાયમી નિવારણને બદલે અમુક તમુક ઠીકરાં મારવા જેવા હલકી કક્ષાની કામગીરી આચરતા હોવાના કારણે દર વર્ષે કેનાલનું સમારકામ તૂટી જતાં ખેડૂતોના ઉભા પાકને નુક્સાન ઉપરાંત સરકારી નાણાં અને પાણીનો વેડફટ કરતા હોવાનો સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. હાલમાં કેનાલનું ચણતર, ડીપવેલ અને નાળાં સહિત ઠેર ઠેર ભગ્ન બનીને જર્જરીત બની જતા કેનાલની હાલત ગંભીર બની જવા પામી છે જેથી કાયમી સમસ્યાઓથી પરેશાન બનેલા અસરગ્રસ્ત ખેડૂતોએ એકત્રિત થઈને નર્મદા નિગમ વિરુદ્ધ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટના અંગે અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા અનુસાર દરેક સિઝનમાં જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.