- કોઈ ખાસ કંપની છેલ્લા કેટલાય સમયથી રાત્રે જ કેમિકલયુક્ત ગેસ છોડતા સમસ્યા વધી
- લોકોને આંખોમાં બળતરાની પણ વ્યાપક ફરિયાદ : પોલ્યુશન બોર્ડને ફરિયાદ પણ પરિણામ શૂન્ય
- ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઈ-મેલથી અનેક ફરિયાદો કરવા છતાં કોઈજ પરિણામ આવ્યું નથી
કલોલ ઔદ્યોગિક વિસ્તારમાં મોડી રાત્રિબાદ ગેસની તીવ્ર પ્રકારની વાસ આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ગેસ ઝેરી પ્રકારનો હોય તેમ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને આંખોમાં બળતરા જેવી ફરિયાદો ઉઠવા પામી છે. તીવ્ર વાસથી આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઈ-મેલથી અનેક ફરિયાદો કરવા છતાં કોઈજ પરિણામ આવ્યું નથી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાગરિકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. પોલ્યુશન ફેલાવતા એકમો સામે આંખ મિચામણાથી આ વિસ્તારમાં ભવિષ્યમાં મોટી ગેસ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે.
કલોલ હાઈવે ઉપર આવેલી જીઆઈડીસીમાંથી રાત્રીના સમયે કેમિકલની તીવ્રવાસ આવે છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ આ વિસ્તારમાં સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળમાં આવેલ હોસ્ટેલમાં જીઆઈડીસીમાંથી આવતી કેમિકલની તીવ્રવાસથી બે વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી અને તેમને હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. તે વખતે સ્વામિનારાયણ વિશ્વ મંગળ ગુરૂકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગેસ છોડતી ફેકટરી આગળ હોબાળો કર્યો હતો. જેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને તપાસ કરવામાં આવી હતી. ત્યારે ફરીથી આ પ્રકારની તીવ્રવાસ છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ આવી રહી છે. મોડી રાત બાદ વાતાવરણમાં એક પ્રકારની દુર્ગંધ અને તીવ્ર વાસ આવતી હોવાથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડી રહી છે તેમજ આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતે કલોલમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ઈ-મેલથી અનેક ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઈ-મેલનો જવાબ આપવામાં આવતો નથી ,કે કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.