કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વેરો ન ભરતા હોય તેવા મિલકત ધારકોની મિલકતોને સીલ મારવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે નગરપાલિકાએ પૂર્વમાં બે તથા જુના ચોરામાં બે નવી શાક માર્કેટમાં ત્રણ દુકાનોને સીલ માર્યા હતા. અને આજરોજ સીટીમોલમાં આવેલ બે દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા. નગરપાલિકાની વેરા વસુલાતની કડક કામગીરી થી વેરો ન ભરતા હોય તેવા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકા દ્વારા રૂપિયા 30 કરોડ ઉપરાંતનો વેરો વસુલાત કરવા માટેની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. નગરપાલિકા વર્ષોથી વેરાના ભરતા હોય તેવા બાકી મિલકત ધારકોને નોટીસો ફટકારવામાં આવી રહી છે. અને સમય મર્યાદામાં વેરો ભરી જવા જણાવવામાં આવી રહ્યું છે. નગરપાલિકાએ અત્યાર સુધી 3500 થી વધુ બાકીદારોને નોટીસ ફટકારી છે.
ત્યારબાદ નગરપાલિકા દ્વારા નોટીસ આપ્યા પછી પણ સમય મર્યાદામાં વેરો ન ભરનાર મિલકત ધારકોના નળના જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે નગરપાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘરોના નળના જોડાણ કાપી નાખ્યા હતા. તેમજ કોમર્શિયલ મિલકતોમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બે દુકાનો તેમજ નવી શાકમાર્કેટ પાસે ત્રણ દુકાન અને જુના ચોરા પાસે બે દુકાન ને વેરો ન ભરવામાં આવતા સીલ મારી દીધા હતા. તેમજ નગરપાલિકાએ આજરોજ શહેરના નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલ સીટી મોલમાં બે દુકાનોને શીલ મારી દીધા હતા. વેરો ન ભરતા નગરપાલિકા દ્વારા શીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી કડક કરવામાં આવતી હોવાથી અને ઘરોના નળના જોડાણ કાપવામાં આવતા હોવાથી અને કોમર્શિયલ મિલકતોમાં દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવતી હોવાથી બાકી ટેક્ષ ધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.