કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ માર્કેટયાર્ડ ઓવરબ્રીજ થી સિંદબાદ હોટલ સુધીના રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર દિવસથી ચાલી રહેલી કામગીરીને આગળ ધપાવતા નગરપાલિકાએ આજરોજ આ રોડ ઉપરથી વધુ 7 દુકાનોના દબાણો દૂર કર્યા હતા. ગતરોજ પાલિકાએ સ્વાદ હોટલ પાસેના દબાણો દૂર કરીને સર્વિસ રોડ ખુલ્લો કરતા લોકોએ ખુશી વ્યકત કરી હતી. અને મોડી રાત્રે ફટાકડા ફોડીને નગરપાલિકાની કાર્યવાહીને બિરદાવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ શહેરના માર્કેટયાર્ડ ઓવરબ્રિજથી સિંદબાદ હોટલ સુધીના હયાત રોડને પહોળો કરવાનો છે. અને રોડ નવો બનાવવાનો છે. તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી રહી છે.અને રોડ ઉપર થયેલ દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા સતત 4 દિવસથી અહી દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે. નગરપાલિકા દ્વારા ગતરોજ સ્વાદ હોટલ પાસેના દબાણ હટાવ્યા હતા અને દબાણથી બંધ થઈ ગયેલો સર્વિસ રોડ ખુલ્લો કર્યો હતો. બંધ થઈ ગયેલો સર્વિસ રોડ દબાણ હટાવતા ખુલ્લો થયો હતો. જેના પગલે સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર ફરી વળી હતી. અને રાત્રિના સમયે સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને આનંદ વ્યકત કર્યો હતો. તેઓએ નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરીને બિરદાવી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવવાની કાર્યવાહી આગળ વધારતા નગરપાલિકાએ આજરોજ માર્કેટયાર્ડ ઓવરબ્રીજથી સીંદબાદ હોટલ સુધીના માર્ગ ઉપર થયેલ 7 દુકાનોના દબાણો દૂર કર્યા હતા. નગરપાલિકા દ્વારા જી.સી.બી.ની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.