કડી તાલુકાના માથાસુર ગામનાં પિતા – પુત્ર બાઈક ઉપર તાલુકાનાં મેડા આદરજ ગામે લગ્ન પ્રસંગે જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં કડીના નંદાસણ રોડ ઉપર એક કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં પિતા પુત્ર રોડ ઉપર પટકાતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં સારવારમાં યુવકનું મોત નિપજયું હતું. અકસ્માતની ઘટનાને પગલે કડી પોલીસે પિતાના નિવેદનના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંથાસુર ગામે રહેતા રમેશભાઈ પટેલને મેડા આદરજ ગામે લગ્ન પ્રસંગે જવાનું હોવાથી પુત્ર નિરવ સાથે બાઈક ઊપર નીકળ્યા હતા. બંને નંદાસણ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે સમયે કડી નજીક રંગોલી ગેસ્ટ હાઉસ પાસેથી પસાર થતી કારના ચાલકે ટક્કર મારતાં બન્ને રોડ ઉપર પટકાયા હતા. ઘટનાને પગલે આસપાસમાંથી લોકોએ દોડી આવી ગંભીર ઇજાગ્રસ્ત પુત્ર નિરવને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સ્થળ ઊપરના તબીબે નિરવને મૃત જાહેર કર્યો હતો.