જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારના માધવ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવેલા રૂમમાં 22 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી છે. માણાવદર તાલુકાના સમેગા ગામના 22 વર્ષીય યુવાને રૂમમાં જ ગળાફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવકે આત્મહત્યા કર્યાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા. આ ઘટનાની જાણ થતાં જુનાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી
જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનામાં પ્રેમ પ્રકરણમાં હોટલમાં જ બે આત્મહત્યાના બનાવો બન્યા હતા. જેમાં થોડા દિવસો પહેલા જ સત્યમ હોટલમાં એક પરિણીત મહિલા ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેના થોડા દિવસો બાદ જ વૈભવ ફાટક નજીક આવેલી વૈભવ હોટલમાં કોયાલીના યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ બનાવને હજુ તો મહિનો પણ પૂરો નથી થયો, ત્યારે દુબળી પ્લોટના માધવ એપાર્ટમેન્ટમાં એક 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી છે. જેને લઈ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
વાતચીતની ચેટ પણ પોલીસને મળી આવી
પોલીસને જે પ્રાથમિક હકીકત મળી છે, તે મુજબ આ યુવાનને જૂનાગઢની એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ યુવક અને પરિણીત યુવતીને વારંવાર મળવાનું થતું હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં મૃતક ખુશાલ અને યુવતી વચ્ચે થયેલી વાતચીતની ચેટ પણ પોલીસને મળી આવી છે. હાલ પોલીસ દ્વારા આ દિશામાં યુવકના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવારનો માળો વેરવિખેર
ખાસ કરીને વાલીઓને યુવાનોને અપીલ છે કે જીવન ખૂબ જ અમૂલ્ય છે, ત્યારે ક્ષણિક આવેગના કારણે ઊભા થતા સંજોગના કારણે અઘટીત પગલું ભરવાથી પરિવારને આજીવન માટેનું દુઃખ રહી જાય છે. જ્યારે પરિવારના કોઈ સભ્યો દ્વારા આ પગલું ભરાતા તે પરિવારનો માળો વેરવિખેર થાય છે.