જુનાગઢ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ ચૌહાણ સામે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અધિકારીએ તેમના હસ્તકના તાલુકામાં અંદાજિત 70 વીઘા જમીનમાં આવેલા ફાર્મની હરાજી કરી છે.
જુનાગઢના ભેસાણમાં સીડ ફાર્મ ભાડે આપવાનો મામલો
આ સાથે જ હરાજી કરવા માટે પોતાને અનુકૂળ પડે તેવી શરતો અને બોલીઓ બનાવી હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી. ભેસાણમાં આવેલા સીડ ફાર્મ પણ પોતાની પત્નીને તારીખ 29 ઓક્ટોબર 2024ના રોજ હરાજી કરી રૂપિયા 3.30 લાખમાં ભાડે આપી દીધું છે. સીડ ફાર્મનો ઉપયોગ બિયારણ તૈયાર કરવા તેમજ નિર્દેશન ગોઠવણ સિવાય કોઈપણ હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના તારીખ 17 માર્ચ 2017ના ઠરાવ મુજબ સીડ ફાર્મની જમીન ખેડૂતોના હિતમાં કૃષિને લગતી પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને કૃષિ યાંત્રિકરણ તથા સંશોધન માટે અનામત રાખવાનો છે, તે સિવાય અન્ય કોઈ હેતુ માટે સીડ ફાર્મનો ઉપયોગ કરી શકાય નહીં એટલે આ સીડ ફાર્મ વાણિજ્ય હેતુ માટે ભાડા પટે આપી શકાય નહીં.
સીડ ફાર્મ રાખવા પાછળ અનેક કારણો હોવાની ચર્ચા
આ સીડ ફાર્મ રાખવા પાછળ અનેક કારણો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જમીનમાંથી વાવેતર કરવાને બદલે એક સાથે મોટી જમીન હોવાથી કાળા ધોળા કરવાનો મુખ્ય આશય હોઈ શકે તેમ જ જે જણસીના ઉંચા ભાવ હોય તે જણસીનું વાવેતર કર્યું હોવાનું દર્શાવી મોટી રકમ કાળામાંથી ધોળી થઈ જાય તેવું કૌભાંડ આચરવાની પહેરવી ચાલી રહી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રીને અને જિલ્લા વિકાસ અધિકારીને પણ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અધિકારીએ પોતાની શરતો રાખી હરાજી કરી પત્નીને ભાડે આપી દીધુ
બીજી તરફ જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા પણ જ્યારે જનરલ બોર્ડમાં આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ હરાજી કેન્સલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ગત તારીખ 24 ઓક્ટોબર 2024ના રોજ અધિકારીઓની મન માનીને લઈને આ હરાજી કરવામાં આવી હતી. 3.30 લાખના આ ટેન્ડરને લાગતા વળગતાઓને તેમજ સંબંધીઓને આપી દીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, તેમજ હરાજી સમયે જિલ્લા પંચાયતના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો દ્વારા આ પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
આમ જૂનાગઢમાં વધુ એક ક્લાસ વન અધિકારી સામે તેમની સત્તાનો ગેર ઉપયોગ કરીને સરકારી હરાજીમાં અધિકારીના પત્નીને સંબંધી માટે વ્યવસ્થાઓ ગોઠવી અને તેમને ટેન્ડર આપી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માગણી તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવી છે.