દિવાળીની રજાઓમાં જુનાગઢ માં પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી ભવનાથ ગિરનાર અને ઉપરકોટમાં પ્રવાસીઓએ મોજ માણી હતી. હાલ જ્યારે દિવાળીના તહેવારને લઈ રજાઓ માણવા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જુનાગઢ આવી રહ્યા છે.
દિવાળી વેકેશનમાં જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્ર, ગિરનાર પર્વત અને જૂનાગઢના વિવિધ પર્યટક સ્થળોએ જતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી આવતા લોકોમાં જુનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જુનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળો તેમજ રોપવે મારફત ગીરનાર જતા જોવા મળ્યા હતા. ગિરનાર ફરવા આવતા પ્રવાસીઓ બહોળી સંખ્યામાં રોપવે મારફત જૈન દેરાસર તેમજ માં અંબાના દર્શન કરવા જુનાગઢ પહોંચ્યા હતા. ત્યારે ઉષા બ્રેકો કંપની દ્વારા વૃદ્ધ માટે જે સુવિધા કરવામાં આવી છે તેને પણ પ્રવાસીઓ બિરદાવી રહ્યા હતા.
સરકાર દ્વારા 75 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા ઉપરકોટનું રીનોવેશન તેમજ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું ત્યારે નવા રંગ રૂપ સાથે ઉપરકોટ નો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકતા દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે સવાણી ગ્રુપ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપરકોટ ખાતે સાયકલિંગ ,બાળકો માટે અલગ અલગ રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલનો લોકો આનંદ માણ્યો હતો. હાલ દિવાળીની રજાના દિવસોમાં ઉપરકોટ ખાતે દરરોજના 10,000 થી વધુ પ્રવાસીઓ અને રોપવે ખાતે 4,000 થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે.
બીજી તરફ ગિરનાર પર્વત પર પાણીની સુવિધા ન હોવાના કારણે લોકોને વધુ રૂપિયા ચૂકવી પાણી ખરીદવું પડે છે. ત્યારે મધ્યમ વર્ગના લોકોને ગિરનાર પર્વત પર પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે તેવી પ્રવાસીઓ દ્વારા ફરિયાદો ઉઠી રહી છે. આમ, જૂનાગઢમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊંચી પડ્યા છે પરંતુ ગિરનાર પર્વત ઉપર વહીવટી તંત્ર દ્વારા પાણીની કોઈ સગવડતા ન હોવાને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે.