રાજ્યમાં સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના નામ રદ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, આ વર્ષે ચણાનું સારું ઉત્પાદન થતાં ખેડૂતોને પણ સારા ભાવ મળશે તેવી આશાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
પાક સેટેલાઈટ સર્વેમાં દેખાતો ના હોવાને કારણે ખેડૂતોના નામો રદ કરી નાખવામાં આવ્યા
પરંતુ જિલ્લામાં ઘણા ખેડૂતોના ચણાની ખરીદી માટેના રજીસ્ટ્રેશન કરાવેલા નામો રદ કરવામાં આવ્યા છે, તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. તલાટી મંત્રી દ્વારા આપેલા પાણી પત્રકમાં પણ ચણાનું વાવેતર કરેલું છે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં પણ સેટેલાઈટ સર્વેમાં દેખાતા ન હોવાને કારણે ખેડૂતોના નામો રદ કરી નાખવામાં આવ્યા છે, જેથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. સરકારી ટેકાના ભાવે મગફળી હોય, તુવેર કે ચણાની ખરીદી કરવાની હોય ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઘણા ખેડૂતોના નામો રદ કરી નાખવામાં આવે છે, ઉપરાંત કારણ એવું આગળ ધરી દેવામાં આવે છે કે સેટેલાઈટ સર્વેમાં આધારે ખેડૂતના ખેતરમાં ચણા જોવા મળતા નથી.
શું કહ્યું ખેડૂતોએ?
જેથી તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે, પરંતુ ચણાની મોસમ જ ત્રણથી સાડા ત્રણ મહિના સુધીની હોય છે અને ફેબ્રુઆરીમાં જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેનો જવાબ માર્ચ મહિનામાં એટલે કે 40 દિવસ બાદ તેના જવાબો આપવામાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં તો ખેડૂતોએ પાક ખેતરમાંથી ઉપાડી અને ગોડાઉનમાં ભરી દીધો હોય છે એટલે સેટેલાઈટ સર્વેમાં ખેડૂતનો પાક જોઈ શકાતો નથી.
ખેડૂતોના નામ રદ કરી નાખવામાં આવતા મામલો ગરમાયો
બીજી તરફ સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે જે ખેડૂતોના નામો રદ કરવામાં આવ્યા છે, તેને પોતાના પુરાવા લઈને તલાટી મંત્રી પાસે અરજી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને આ અરજીઓને લઈને ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે. ત્યારબાદ તેનો નિર્ણય આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આમ, હાલ તો મગફળી કૌભાંડને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચણાની ખરીદી શરૂ થાય તે પહેલા જ ખેડૂતોના નામ રદ કરી નાખવામાં આવતા મામલો ગરમાયો છે, આગામી સમયમાં હવે કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવશે તે જોવાનું રહ્યું.