જૂનાગઢના ખામધ્રોળ રોડ પર 2 દિવસ પહેલા એક પરિવારના ઘરમાં ઘૂસીને હુમલો કરવા મામલે ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રને પોલીસે ઝડપ્યો છે. આરોપી સાવન ભીંભા સહિત 6ને પોલીસે ઝડપ્યા છે.
જૂનાગઢમાં કોર્પોરેટરના પુત્રની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગણેશ ગોંડલનો કિસ્સો તાજો જ છે ત્યાં જૂનાગઢમાં કોર્પોરેટરના પુત્રની પણ દાદાગીરી સામે આવી છે. અગાઉના મનદુખમાં મહિલા અને તેના ભત્રીજા પર હુમલો કરરવામાં આવતો ચકચાર મચી ગઈ હતી. જેને લઇ પોલીસે જૂનાગઢમાં કોર્પોરેટરના પુત્ર સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું છે મામલો
ખામધ્રોળ રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી એક મહિલા તથા તેના ભત્રીજાને દોઢ મહિના પહેલા કોર્પોરેટરના પુત્ર સાથે માથાકૂટ થઈ હતી. જેના મનદુઃખમાં આરોપીઓ તેમના ઘરે આવ્યા હતા. તેમને તથા તેમના પુત્રવધુને લાકડીથી માર્યા હતા, સ્કૂટરમાં તોડફોડ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ કર્યા પછી તેઓ પરત ફરતા હતા ત્યારે કોર્પોરેટરના પુત્ર અને તેના સાથીદારો તેમના પર છરી, પાઈપ વડે તુટી પડ્યા હતા. જૂનાગઢ પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.