ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લીલી પરિક્રમા થઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા પિરક્રમા રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથોસાથ શ્રદ્ધાળુઓ માટે કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેનું પ્રત્યેક શ્રદ્ધાળુ દ્વારા પાલન કરવામાં આવે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
ગિરનાર પરીક્રમાને લઈને મહેશગીરી બાપુનું નિવેદનમાં કહ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી રાખવી આપણા સૌથી ફરજમાં આવે છે માટે લોકો પ્લાસ્ટિક ન લઈને આવે તેવી અપીલ કરવામાં આવે છે. પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાથી તંત્ર પાણીની વ્યવસ્થા કરે તે જરૂરી છે. ગિરનાર પરીક્રમા કરવા આવનાર ભાવિકો પોતાની સાથે ભગવો ધ્વજ લઈને આવે, આ સાથે પરિક્રમામાં જો કોઈ બદરૂદ્દીન દેખાય તો તેને પ્રસાદ આપી પોલીસને સોંપી દેવો…
ગિરનાર પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓએ પાળવાના નિયમો
- ગિરનાર વન્યપ્રાણી અભ્યારણમાં પરિક્રમા દરમિયાન નક્કી કરાયેલ રસ્તા અને કેડીઓ સિવાય અન્ય વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં કોઈએ પ્રવેશ કરવો નહીં.
- વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવો કે છંછેડવા નહીં.
- જંગલને તથા વન્યજીવોને નુકસાન થાય તેવા કૃત્યઓ પણ કરવા નહીં.
- વન્ય પ્રાણી અભયારણ્યમાં વૃક્ષો વનસ્પતિ વાસ વગેરેને કાપવા નહીં તેમજ જંગલમાં કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં.
- સાથે જ ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચગાનની પ્રવૃત્તિઓ પણ સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.
- ગિરનાર અભયારણ્ય વિસ્તાર સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી પરિક્રમાર્થીઓએ પરિક્રમા રૂટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવાસ કરવો નહીં.
- ઉપરાંત ગિરનાર પરિક્રમાના નિયત પડાવ ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રિ રોકાણ કરવું નહીં.
- ગિરનાર પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા સ્પીકરો રેડિયો વગેરે સાથે લઈ જવા પર પણ પ્રતિબંધ છે.
- વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ રેકડી સ્ટોલ રાખવાની સખત મનાઈ છે.
- અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક થેલી કે બેગનો ઉપયોગ કરવા પણ મનાય છે.
- આ સાથે પાન, માવા, ગુટકા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરેના વેચાણ તેમજ વપરાશ માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- આ અભયારણ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતોમાં સાબુ, શેમ્પૂ, ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરવો નહીં અને જમીન પ્રદૂષિત કરવી નહીં.
ઉપરાંત અગ્ર મુખ્ય વન સંરક્ષક કચેરી, ગાંધીનગરના આદેશ દ્વારા પણ વન્ય પ્રાણી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનો, પેદાશ, ચીજ વસ્તુઓ, પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને પ્રવેશ કરવા તથા ફેકવા પર પ્રતિબંધ છે. વધુમાં પરિક્રમાના સમય પહેલા અને પછીના સમય તથા પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા સરકારી વાહનો તેમજ વન વિભાગ મારફત પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઈપણ પ્રકારના વાહનોને જાહેર રસ્તા કે કેડી ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે.
આમ, જાહેર સૂચનાઓનું ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972ની વિવિધ કલમોની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.