કેશોદના વિકાસ માટે બનાવવામાં આવતો અંડરબ્રિજ હાલ કેશોદવાસીઓ માટે માથાના દુખાવા સમાન બન્યો છે. આ અંડરબ્રિજનું કામ ગોકળગાય ગતિએથી ચાલતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.
આ અંડરબ્રિજનું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે
જુનાગઢ જિલ્લાના કેશોદમાં શહેરની મધ્યમાંથી નવો અંડર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રૂપિયા 21 કરોડના ખર્ચે બનાવવામાં આવતા આ અંડરબ્રિજને કારણે કેશોદવાસીઓ તેમજ આજુબાજુના વેપારીઓ પરેશાન થઈ ગયા છે. બેકબોન કંપની દ્વારા બનાવવામાં આવતા આ અંડરબ્રિજનું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલી રહ્યું છે, તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અંડરબિજમાં ચોમાસાને લઈને પાણીનો ભરાવો થયો
અહીંથી પસાર થતાં લોકો તેમજ કેશોદવાસીઓને ખૂબ જ હેરાનગતિ થતી હોવાથી તાત્કાલિક આ અંડરબ્રિજનું કામ પૂર્ણ કરી રસ્તો ફરી શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. બેકબોન કંપની દ્વારા બનાવવામાં આવતા અંડરબિજમાં ચોમાસાને લઈને પાણીનો ભરાવો થયો છે અને જે ખાલી થતાંની સાથે ફરીથી કામ શરૂ કરવામાં આવશે તેવું કંપનીના મેનેજર દ્વારા જણાવાયું છે.
રેલવે ઓથોરિટીમાંથી હજુ મંજૂરી બાકી
આ ઉપરાંત રેલવે દ્વારા જરૂરી મંજૂરી પણ બાકી છે, ત્યારે તે મંજૂરી મળ્યા બાદ અંડરબ્રિજના કામને આગળ વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ મંજુર થયો ત્યારબાદ રેલવે ઓથોરિટીમાં મંજૂરી માટે અરજી કરી દેવામાં આવી હતી, પરંતુ રેલવેની મંજૂરી હાલ પ્રોસેસમાં છે એટલે તેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વધારાની કામગીરી આગળ કરવામાં આવશે. આમ, કેશોદમાં રેલવે ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતી કામગીરી હાલ તો વેપારીઓ અને સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન બની છે. ત્યારે હવે ક્યારે આ કામ પૂરું થાય છે તે પણ એક પ્રશ્ન છે.
જૂનાગઢમાં MLAના પત્ર મુદ્દે મનપા કમિશનરનો ખુલાસો
જુનાગઢ મહાનગર વિસ્તારમાં પાણી, રસ્તા, પાર્કિંગના પ્રશ્નને લઈને જૂનાગઢના ધારાસભ્યએ કમિશનર સામે મોરચો માંડયો હતો. ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કમિશનરને પત્ર દ્વારા તાત્કાલિક આ અંગે કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે હવે મનપાના કમિશનરે ખુલાસો કરતા કહ્યું હતું કે ચોમાસામાં રસ્તા અને ગટરની કામગીરી બંધ હતી, હવે ચોમાસુ પૂર્ણ થયું છે એટલા કામગીરી શરૂ કરાશે અને રીપેરીંગ કામકાજ કરવામાં આવશે.