જૂનાગઢમાં મહા શિવરાત્રીનો મેળો ભારતભરમાં લોકપ્રિય છે. ભવનાથની ગિરી તળેટીમાં મહા શિવરાત્રી મેળાનું મોટાપાયે આયોજન થાય છે. આગામી સમયમાં મહા શિવરાત્રી પર થનાર મેળાને લઈને મહંત મહેશગીરી અને ગિરિશ કોટેચા ફરી આમને સામનો જોવા મળ્યા. મહંત મહેશગીરીએ આરોપ લગાવતા કહ્યું કે હરીગીરી શિવરાત્રીના મેળામાં ગમે તે હદે જઈ શકે છે. આથી સરકારને વિનંતી કરી છું કે મેળામાં ચુસ્ત બંદોબસ્ત રાખે.
મહંત મહેશગીરીનો આરોપ
જૂનાગઢમાં ભૂતનાથ મંદિર અને ભવનાથ મંદિરના મહંત વચ્ચે વાક યુદ્ધ છેડાયું. ફરી એક વખત શિવરાત્રીના મેળાને લઈને બન્ને મંહતો એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળ્યા. મહંત મહેશગીરીએ આગામી મહા શિવરાત્રી મેળામાં કંઈક અજગતુ બનવાની આંશકા વ્યક્ત કરતાં સઘન પોલીસ વ્યવસ્થા તૈનાત કરવા માંગ કરી. વધુમાં તેમણે કહ્યું કે મને શંકા છે કે હરીગીરી મેળો બગાડવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. હરિગીરી અને તેની ટોળકી શિવરાત્રીના મેળામાં ગમે તે હદે જઈ શકે છે. આથી જ મેં પત્રકાર પરિષદમાં સરકાર પાસે વિનંતી કરી છે કે આ વખતે મેળામાં બંદોબસ્ત ખૂબ જ રાખે.આથી હરીગીરીને ભવનાથમાંથી નિકાળી દેવામાં આવે તો તમામ સમસ્યાનો અંત આવે.
ગિરીશ કોટેચાના પ્રહાર
મહંત મહેશગીરીના આક્ષેપ પર પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે મહેશગીરીએ મેળાને બદનામ કરી નાખ્યો છે. મેળામાં મહેશગીરી ઉપર જ પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેમજ તમામ અખાડાઓમાંથી મહેશગીરીની હકાલ પટ્ટી કરવી જોઈએ.
મહત્વનું છે કે જૂનાગઢમાં મહંત મહેશગીરી અને મહંત હરિગીર બાપુ વચ્ચે ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બંને મહંતના ગાદી વિવાદમાં ગિરિશ કોટેચા પણ મેદાને પડતા પરપ્રાંતિયો ગિરનાર હડપવા માંગતા હોવાનો આક્ષેપ મૂકયો હતો. આ સાથે તેમણે સંત સંમેલન આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ વિવાદમાં વધુ આગ ઝોંકતા ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ધાર્મિક જગ્યાઓ પર ટ્સ્ટી બની પરાણે કબજો કર્યો હોવાનો ગિરીશ કોટેચા પર આક્ષેપ કર્યો. જો કે આ આક્ષેપોને ગિરિશ કોટેચાએ પાયા વિહોણા ગણાવ્યા હતા.
મહાશિવરાત્રીનો મેળો
આગામી 22 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળાની શરૂઆત થવાની છે. આ મેળામાં સઘન વ્યવસ્થાને લઈને વહીવટી અધિકારીઓ દ્વારા જાન્યુઆરીના અંતમાં બેઠક યોજાઈ હતી. જૂનાગઢનો મેળો સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. આ મેળામાં દેશ અને વિદેશમાંથી મહેમાનો આવે છે. ખાસ કરીને જૂનાગઢના શિવરાત્રી મેળામાં મૃગીકુંડ સ્નાનું વિશેષ માહાત્મય છે. મૃગીકુંડમાં શિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સન્યાસીઓ સ્નાન કરતા હોવાની પરંપરા વર્ષોથી ચાલે આવે છે. દેશ વિદેશથી આવતા મહેમાનો અન ભક્તોની સુરક્ષાનું ધ્યાન રાખવાને લઈને વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ બેઠકમાં મેળામાં યોગ્ય વ્યવસ્થા જળવાય રહે તેમજ ભાવિકો માટે તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી.