જૂનાગઢમાં ભૂતનાથ મંદિર વિવાદ વધુ વકર્યો. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પરપ્રાંતીયો આખો ગિરનાર હડપવા માંગે છે જેવા નિવેદન કર્યા બાદ ભૂતનાથ મંદિર વિવાદ હવે વકરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મહંત મહેશગીરી અને મહંત હરિગીરી બાપુ વચ્ચે ગાદીપતિને લઈને છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને મહાનુભાવોના વિવાદમાં ગિરીશ કોટેચા પણ હવે મેદાને પડ્યા છે.
ગિરીશ કોટેચાએ ગાદિ વિવાદમાં આહ્વાન કરતાં સંત સમેલન બોલાવીશ તેવી ચીમકી ઉચ્ચારી. આ સાથે તેમણે એ પણ આરોપ લગાવ્યો કે પરપ્રાંતીયો આખો ગિરનાર હડપવા માંગે છે. આશ્રમમાં પર પ્રાંતીય સંતોના કબ્જા જમાવવા લાગ્યા છે. વધુમાં કહ્યું કે પર પ્રાંતીયોના આશ્રમ અધિગ્રહણ કરવાના કાવતરાં સામે જૂનાગઢમાં મોટો અવાજ ઉઠાવવામાં આવશે તેમ પણ ઉચ્ચાર્યું હતું. આવા લોકોને રોકવા આખા સોરઠ વિસ્તારના સંતોનું સંમેલન બોલવીશ. અને આ સંમેલનમાં સોરઠના તમામ મોટા સંતોને બોલાવવામાં આવશે તેવી માર્મિક ધમકી ઉચ્ચારી.
છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢમાં ભૂતનાથ મંદિર અને ભવનાથ મંદિરના મહંત વચ્ચે ગાદીને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. બંને મહંતો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. ગાદી વિવાદમાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ એક પ્રેસકોન્ફરન્સમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ અને ગિરીશ કોટેચા પર આક્ષેપ કર્યો હતો. મહેશગિરી બાપુએ આરોપ લગાવતા કહ્યું કે આ લોકોએ ગિરનારનો વિકાસ કરવાના બદલે પોતાના હિતોનું વધુ ધ્યાન રાખ્યું છે. આ આરોપો પર પ્રતિક્રિયા આપતા હવે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ વિવાદને વધુ વેગ આપ્યો છે. ગીરીશભાઈ કોટેચાએ કહ્યું કે પરપ્રાતીયો આખો ગિરનાર હડપવા માંગે છે અને તેમને અમે જ રોકીશું. આવતા દિવસોમાં હું આખા સોરઠ વિસ્તારના સંતોનું સંમેલન બોલવીશ. જૂનાગઢ આશ્રમમાં પર પ્રાંતીય સંતો દ્વારા થતા અધિગ્રહણને રોકવા સમગ્ર સોરઠમાં આંદોલન છેડાશે. અને આ આંદોલનમાં તમામ સંતો પણ જોડાશે.
નોંધનીય છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બ્રહ્મલીન થતા ગાદીને લઈને વિવાદ શરૂ થયો. વાસ્તવમાં વિવાદનું મૂળ શું છે તે તો કોઈ જાણતું નથી. ખરેખર, ગાદીને લઈને વિવાદ છે કે પછી ગાદીપતિને લઈને રાજનીતિ થઈ રહી છે. લોકોને શાંતિની અપીલ કરતાં અને મોહ માયા છોડવાનો ઉપદેશ આપનાર ધર્મગુરુઓ જ કોણ ગાદી સંભાળશે તેને લઈને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. અંબાજી મંદિરના મહંતનું નિધન થતાં અખાડા પરિષદે પ્રેમગિરીની મહંતપદે નિમણૂંક કરતાં જ વિવાદના બીજ રોપાયા. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરીના લેટર બોમ્બથી વિવાદે વેગ પકડ્યો. તેમણે લેટરબોમ્બમાં લખ્યું હતું કે મહંત હરિગિરીએ ભાજપ અને તત્કાલીન કલેકટરને કરોડો રૂપિયા આપી ગાદી મેળવી હતી. ત્યારબાદ ગાદી વિવાદમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ઝંપલાવતા સોરઠના સંતોને આહવાન કર્યું. આગામી દિવસોમાં જૂનાગઢમાં આ વિવાદ વધુ વેગ પકડે તેવી સંભાવના છે.