- દેશના અનેક મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
- રાજ્યમાં ડાકોર, શામળાજી, દ્વારકા અને ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ
- અમદાવાદમાં અનેક મંદિરોમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દેશના અનેક મંદિરોમાં ધામધૂમથી કરવામાં આવી છે અને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્યના દ્વારકા, શામળાજી, ડાકોર, અમદાવાદ ઈસ્કોન મંદિર સહિત ઘણા મંદિરોમાં કરવામાં આવી છે.
ભક્તોમાં અનેરો ઉત્સાહ
તમામ મંદિર પરિસરમાં ભક્તો ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’, ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’ના નાદ લગાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને આર્શીવાદ મેળવી રહ્યા છએ. અમદાવાદના તમામ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે અને ઈસ્કોન મંદિરમાં એક સાથે અલગ અલગ દેશોમાંથી પણ વર્ચ્યુઅલ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર ભંડારાના મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ઈસ્કોન મંદિરમાં ભગવાનના ખાસ વાઘા વૃંદાવનથી લાવવામાં આવ્યા છે અને તેની આશરે કિંમત 5 લાખ રૂપિયા છે. ઈસ્કોન મંદિરમાં વિદેશી ફૂલોથી ભગવાનના પારણાનો શણગાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા, ભગવાનના દર્શનનો લ્હાવો લીધો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે, વ્હાલનાં વધામણાં કરવા માટે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે અને સામાન્ય જનતાની મુખ્યપ્રધાને પણ ભગવાનના દર્શનનો લ્હાવો લીધો છે. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે.
અમદાવાદમાં અનેક મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી
અમદાવાદના જગન્નાથ મંદિર, સોલા ભાગવત, રાધે ક્રિષ્ના મંદિર, ઈસ્કોન મંદિર સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
શામળાજીમાં ભગવાનના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ભારે ધામધૂમથી અને આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ભક્તો ભગવાનના જન્મોત્સવની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈને તમામ નાની નાની તૈયારીઓ કરવામાં આવી હતી.