જામનગર ખેતીવાડી બાજરા સંશોધન કેન્દ્રમાંથી નિવૃત થયેલા પ્રોફેસર સામજીભાઈ ડાયાભાઈ અટારા (ઉ.વ.72) શેરબજારમાં રોકાણ કરતા હતા. આ દરમ્યાન થોડા મહિનાઓ પહેલા સ્વેતા મેડમના નામે આવેલા કોલમાં તેણીએ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપીને કંપની વતી શેર માર્કેટમાં રોકાણ માટે નિવૃત પ્રોફેસરને સમજાવ્યા હતા.
નાણાનું રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી
જે બાદ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી અંકીતભાઈનો કોલ આવ્યો હતો. જે બાદ શેર માર્કેટની ટીપ્સ આપવાના બહાને તથા ઈક્વિટી તેમજ કોમોડીટીમાં આ કંપની થકી શેર માર્કેટમાં નાણાનું રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. જેથી પ્રોફેસર વધુ નફો કમાવવાની લાલચમાં આવી જઈને કટકે કટકે આ ચીટર ટોળકીએ આપેલા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 97,000 તેમજ બીજા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 22,95,100 ટ્રાન્સફર કર્યા હતા. તેમજ બંટી શર્મા નામનો શખ્સ જામનગરમાં બે વખત આવીને પ્રોફેસર પાસેથી રોકડ રૂ.8,25,000 મળીને કુલ રૂ.32,17,100 પડાવી લીધા હતા. તેમ છતાં આ ચીટર ટોળકીને સંતોષ ન થતાં પ્રોફેસર પાસે તેમની પત્નીના મારવાડી શેર એન્ડ ફાઈનાન્સ લિમિટેડના ડીમેટ એકાઉન્ટમાં રહેલા રૂ.17,96,228ના શેર ગીરવે રખાવ્યા હતા.
ઈન્દોરથી એક આરોપીની પોલીસે કરી ધરપકડ
તે શેર પણ વેચી નાખીને કુલ રૂપિયા 50,13,328 લઈને કોઈપણ જાતનું શેર માર્કેટમાં વળતર નહીં આપી તેમજ રોકેલા નાણાં પણ પરત નહીં આપીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. પ્રોફેસરને જાણ થઈ કે તેમની સાથે ચીટીંગ થયું છે. જેથી તે જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પ્રોફેસરની ફરિયાદ પરથી સ્વેતા મેડમ, અંકિતભાઈ અને બંટી શર્મા નામના શખ્સો સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે અંગેની પીઆઈ આઈ.એ.ધાસુરાએ તપાસ હાથ ધરીને પીએસઆઈ એન.પી.ઠાકુર સહિતની ટીમને ઈન્દોર ખાતે મોકલી હતી. જ્યાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને જામનગર લાવવામાં આવી રહ્યો છે.