જામનગરમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા લોકોને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર એટલે કે સસ્તા અનાજની દુકાન ઉપરથી રેશન કાર્ડનો માલ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે, આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં કુલ 1,99,474 રેશનકાર્ડ નોંધાયેલા છે.
એપીએલ કાર્ડની સંખ્યા 1,58,385
જેમાં બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યા 29,872 છે. જ્યારે અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા 11,217 છે. જ્યારે એપીએલ કાર્ડની સંખ્યા 1,58,385ની છે. દિન પ્રતિદિન રેશનકાર્ડ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ જે સસ્તા અનાજની દુકાનો હતી. તેમાં કોઈ વધારો ઘણા લાંબા સમયથી કરવામાં આવ્યો નથી. જામનગર જિલ્લામાં કુલ 268 સસ્તા અનાજની દુકાન આવેલી છે, વધુમાં અનેક સંસ્થા અનાજની દુકાનો બંધ પણ થઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે.
વર્ષ 2017માં વધુ 18 દુકાનો અંગેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી
બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની 85 દુકાન આવેલી છે. તેમાં વધારો કરવા માટે વર્ષ 2017માં વધુ 18 દુકાનો અંગેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્તમાં મંજૂરી સરકાર તરફથી મળેલી ન હોય, જેથી હાલમાં તો 85 દુકાન દ્વારા જ લોકોને રેશનનો જથ્થો વિતરણ થઈ રહ્યો છે. મહાનગરપાલિકાની હદ વિસ્તાર વધી ગઈ છે, ત્યારે નવી સસ્તા અનાજની દુકાન ખોલવામાં આવે તેવી માગ રેશનકાર્ડ ધારકો કરી રહ્યા છે. હાલમાં તો સરકારનો રેશન કાર્ડ ઉપરનો અનાજ સહિતનો જથ્થો લેવા માટે લોકોને બેથી ત્રણ કિલોમીટર દૂર જવું પડતા હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.
નવી દુકાનો ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય
પરંતુ લોકોને સસ્તા અનાજનો માલ જોઈતો હોય તેથી તેઓ ન છૂટકે જઈ રહ્યા છે. સરકાર દ્વારા જામનગરમાં સસ્તા અનાજની નવી દુકાનો ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય છે, મહત્વની વાત એ છે કે અનેક સસ્તા અનાજના વેપારીઓ પોતાની દુકાનો બંધ કરવા માટેના રાજીનામા પણ જિલ્લા પુરવઠા કચેરીને આપી ચૂક્યા છે. પરંતુ સરકાર દ્વારા આવા રાજીનામા મંજૂર પણ કરવામાં આવતા ન હોય તેવો એવો મેસેજ દુકાનદારો પણ ગ્રાહકો પાસે વ્યક્ત કરી રહ્યા છે.
દુકાનો ઉપર પણ ગ્રાહકોનું ભારણ વધતું જાય છે
આમ જોઈએ તો જામનગરમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘટાડો થઈ ગયો છે, ત્યારે બીજી તરફ રેશનકાર્ડ ધારકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારના નવા નીતિ નિયમ મુજબ એક રાશન સસ્તા અનાજની દુકાન માટેનો રેશનકાર્ડનો જથ્થો જે જાહેર કરવામાં આવ્યો છે, તેના કરતા વધારે ગ્રાહકો એક રેશનકાર્ડની દુકાન ઉપર નોંધાયેલા પણ જોવા મળી રહ્યા છે. આમ, દુકાનો ઉપર પણ ગ્રાહકોનું ભારણ વધતું જાય છે. ત્યારે સરકાર દ્વારા નવી પોલીસી જાહેર કરી અને સસ્તા અનાજની દુકાનોનો વ્યાપ વધારવામાં આવે તે જરૂરી છે.