તહેવાર નજીક આવતા શહેરમાં ટ્રાફિક સમસ્યા સતત વધતી રહેતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.જ્યારે દિવાળીના તહેવાર નિમિત્તે ખરીદી કરવા માટે મોટા પ્રમાણમાં આજુબાજુના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા શહેરમાં આવતા હોય છે તેમ જ શહેરીજનો પણ શહેરમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા બજારોમાં જતા હોય છે.
સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ
પ્રજાજનોને કોઈ ટ્રાફિકની સમસ્યા ન સમજાય તે માટે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શહેરના સાત રસ્તા સર્કલ,ખોડીયાર કોલોની, દિગ્મામ સર્કલ,સમર્પણ સર્કલ, એસ.ટી રોડ, જી.જી હોસ્પિટલ રોડ, વિક્ટોરિયા પુલ, જેવા મહત્વના સ્થળો ઉપર જાહેર માર્ગો પર અડચણરૂપ ટ્રાફિક કરતા ગેરફાયદેસર પેસેન્જર ભરતા, અડચણરૂપ વાહનો ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન ચાલકો વિરુદ્ધ ખાસ મેગા ડ્રાઈવની કામગીરી કરવામાં આવી હતી.
વાહનો કર્યા જપ્ત
જેમાં રીક્ષા,ખાનગી ટ્રાવેલ્સની બસો, કાર તેમજ અન્ય પેસેન્જર વાહનો કુલ મળીને 101 વાહનોને ડીટેન કરી ટ્રાફિકને અડચણરૂપ થનાર વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ કામગીરી જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુની સૂચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી.ગજ્જરની આગેવાનીમાં કરવામાં આવી હતી. તેમાં કાર્યવાહી કરી 101 વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવામાં આવતા શહેરમાં નિયમોનુસાર વાહનો ના ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
355 જેટલા સીસીટીવી
જામનગર શહેરને પોલીસ દ્વારા સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. જુદા જુદા વિસ્તારોમાં 355 જેટલા સીસીટીવીની બાજ નજર લોકો પર છે અને હજુ પણ આગામી સમયમાં 146 કેમેરાઓ લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. નિયમનો ભંગ કરનાર 3927 લોકોને કોર્ટની નોટીસ મોકલવામાં આવી છે.જામનગર શહેરમાં ઠેકાણે અને ચારેકોર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પોલીસની ત્રીજી આંખ સમાન કામગીરી કરી રહ્યા છે. કોઈપણ મોટો ગુનેગાર પોલીસની આ ત્રીજી આંખથી બચતો નથી.