જામનગર તાલુકા પંચાયત હસ્તકની ગ્રામ પંચાયતોમાં PGVCL દ્વારા જુના વીજ બિલમાં રહેણાંક બિલ નહીં, પરંતુ કોમર્શિયલ વીજ બિલ ગણી બાકી બિલ આપવામાં આવતા જામનગર ગ્રામ પંચાયતો દ્વારા PGVCL સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
જુના વીજ બિલમાં રહેણાંક નહીં પરંતુ કોમર્શિયલ વીજ બિલ ગણ્યું
PGVCL દ્વારા ગ્રામ પંચાયતોને બિલ આપવામાં આવતા સરપંચોને આંચકો લાગ્યો છે. ગ્રામ પંચાયતોને અગાઉ રહેણાંકના બિલ લાગુ કરવામાં આવતા અને નિયમિત પંચાયતો દ્વારા તે બિલ ભરવામાં આવતા હતા. તાજેતરમાં PGVCL દ્વારા જે બિલ આપવામાં આવ્યા, જે જુના બિલમાં રહેણાંક નહીં, પરંતુ કોમર્શીયલ ગણીને બાકી બિલ ફટકારવામાં આવ્યા છે. ત્યારે જામનગર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોને પણ આવા જુના બિલ આપવમાં આવ્યા છે, જેના કારણે ગ્રામ પંચાયતોના સભ્યો અને સરપંચોએ PGVCL સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
જામનગર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોને આવા જુના બીલ આપવામાં આવ્યા
ગ્રામ પંચાયતોને 12,000થી 35,000 સુધીના બિલ PGVCL દ્વારા ફટકારવામાં આવ્યા છે. જે અંગે સરપંચ મંડળની મીટીંગ મળી હતી અને આવા જુના બિલ ના ભરવાનો નિર્ણય લઈને ગ્રામ પંચયાતને રહેણાંકમાં ગણવાની માગ કરી છે. ગ્રામ પંચાયતને અગાઉ ઘર વપરાશ મુજબના બિલ આપવામાં આવતા હતા, પરંતુ નવા નિયમ મુજબ કોમર્શીયલ લેખે તફાવતનું બિલ આપવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત પાસે મોટું ફંડ ના હોય: સરપંચો
જામનગરમાં સંદેશ ન્યૂઝને આ બાબતે જામનગર PGVCLના અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું કે ઓડિટની રિકવરીની અંદર આ ધ્યાને આવ્યું છે કે ગ્રામ પંચાયતોને બિલો કોમર્શિયલ પ્રમાણે બનવા જોઈએ તે પ્રમાણે અમે આ કાર્યવહી કરી છે તો બીજી તરફ આ મુદ્દે સરપંચોની રજુઆત છે કે ગ્રામ પંચાયત પાસે મોટું ફંડ ના હોય અને ગામ માટે ચાલતી સેવાકીય સંસ્થા હોવાથી તેને કોમર્શીયલ ના ગણવું જોઈએ.
સામાન્ય રીતે ગ્રામ પંચાયત કચેરીમાં સરકારની તમામ યોજનાના લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. કોઈ વેપાર ધંધાના કાર્ય કરવામાં આવતા નથી, જેથી ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા આ મામલે સરકાર યોગ્ય કાર્યવાહી કરે અને તેનું નિરાકરણ લાવે તે જરૂરી છે.