જામનગર શહેરમાં આજે બોર્ડના વિધાર્થીઓ માટે ખાસ ગાયત્રી શક્તિપીઠ દ્વારા શુભકામના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિધાર્થી ભાઈઓ-બહેનોએ આ યજ્ઞમાં આહુતિ આપી આવનારી પરીક્ષા માટે ભગવાનના આર્શીવચન લીધા હતા.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે
જામનગર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષાને હવે થોડા દિવસો બાકી હોય વિદ્યાર્થીઓની ચિંતા વધી જતી હોય છે. ત્યારે જામનગરમાં શરુ સેક્શન રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા બોર્ડના વિધાર્થીઓ માટે ખાસ શુભકામના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. 10 અને 12માં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કરેલ મહેનત સાર્થક બને તેવા શુભભાવથી શહેરના ગાયત્રી શક્તિપીઠમાં 15 કૂંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિઃશૂલ્ક સંપન્ન થનાર આ યજ્ઞમાં જોડાનાર વિદ્યાર્થીનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરી, શુભેચ્છા સ્વરૂપે પેન, પુસ્તક અર્પણ કરી, ચોકલેટ આપી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.
નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે
જામનગર ગાયત્રી શક્તિપીઠ દ્વારા છેલ્લા 10 વર્ષથી બોર્ડના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 2000 થી વધુ વિધાર્થીઓએ આ યજ્ઞનો લાભ લીધો છે, વિધાર્થીઓ પરીક્ષા આપતા સમયે હિંમત ના હારે તેનો આત્મવિશ્વાસ વધે તેવા હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં વિદ્યાર્થીઓના હસ્તે માં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરૂજી, સૂર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપવામાં આવે છે, આ શુભકામના યજ્ઞમાં જામનગરના મોટી સંખ્યામાં બોર્ડના વિધાર્થીઓ જોડાયા હતા. આ યજ્ઞની સાથે-સાથે ગાયત્રી શક્તિપીઠ દ્વારા પણ આ તમામ વિધાર્થીઓ આવનારી પરીક્ષામાં ઉતીણ થાય તેવી શુભકામના આપવામાં આવી હતી.