જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અણધડ કામગીરીના કારણે છાશવારે વિવાદમાં રહે છે. આ સ્થિતિમાં વધુ એક ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. કારણ કે, શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં.19નું વર્ષ-2004થી એટલે કે 20 વર્ષથી ઓડીટ થયું નથી, જોકે આ બાબતે આ શાળાને નોટિસ પણ આપવામાં આવી છે. ત્યારે ફરી એકવાર શિક્ષણ જગતમાં આ કિસ્સો ચકચાર બન્યો છે.
શું નાણાકીય ઉચાપત કરાઈ?
જામનગર મહાનગર પાલિકાની શાળા નં.19 જે શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 3 ડીસેમ્બરે શાળા નં.19ના વર્ષ 2019-20ના શાળાકીય ઓડીટ માટે જરૂરી રેકર્ડ રજૂ કરવા તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ શાળાનું ઓડીટ વર્ષ-2004 એટલે કે છેલ્લા 20 વર્ષથી થયું નથી. વર્ષ-2004માં શાળાના શિક્ષકે ગેરરીતિ કરી નાણાંકીય ઉચાપત કરી હતી. ત્યારબાદ આ શિક્ષક તપાસમાં કસૂરવાર સાબિત થતાં તેની સામે નિયમ મુજબ શિક્ષાત્મક પગલાં લેવાયા હતા. જે-તે સમયે આ બહાના હેઠળ શાળાનું ઓડીટ કરાયું ન હતું. ત્યારપછી શિક્ષકને સજા થવા છતાં હજુ સુધી ઓડીટ થયું નથી.
કસૂરવાર સામે કોઈ પગલાં લેવાયા નથી
નોંધનીય છે કે શાળામાં અત્યાર સુધીમાં અનેક આચાર્ય અને શિક્ષકો બદલાઈ ગયા, તેમાંથી એક આચાર્યના સમયગાળામાં મહત્વનું સાહિત્ય શાળામાંથી ચોરાઈ ગયું હતું. તેના સીસીટીવી ફુટેજ સમિતિને રજૂ કરવામાં આવ્યા હોવા છતાં કસૂરવાર સામે પગલાં લેવાયા નથી. આટલું જ નહીં હજુ સુધી ઓડીટના નામે ફક્ત કાગળ પર કામગીરી દેખાડી લોકોને ઉલ્ટા ચશ્મા પહેરાવાયા છે. દસ્તાવેજો અધૂરા હોય ઓડીટ થતું નથી, શાળા નં.19નું વર્ષ-2004થી ઓડીટ થયું નથી. જે તે સમયે ઓડીટ માટે નિયમ મુજબ રોજમેળ, વહીવટી બુક સહિતના રજૂ કરવાના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં રજૂ કરાયા નથી. આથી હજુ સુધી શાળાનું ઓડીટ થયું નથી. આ માટે દસ્તાવેજો પૂરા કરવા માટે અનેક વખત શાળાને પત્ર પાઠવી તાકીદ કરવામાં આવી છે.
કમિટી ફકત કાગળ પર બનાવવામાં આવી હોય તેવી કામગીરી
આ સંપૂર્ણ ઘટના અંગેની એક કમિટી બનાવી ઉલ્ટા ચશ્મા પહેરાવાયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.19નું 20-20 વર્ષથી ઓડીટ ન થતાં આ ગંભીર બેદરકારી પર ઢાંકપીછોડો કરવા માટે શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા અગાઉ 10 સભ્યની કમિટી બનાવવામાં આવી હતી. પરંતુ આ કમિટી ફકત કાગળ પર બનાવવામાં આવી હોય તેમ તેની કોઈ દિવસ મિટીંગ મળી નથી તો આ કમિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવ્યા. ખુદ કમિટીના સભ્યો દ્વારા આ કાર્યવાહી કરવાની ના પાડવામાં આવી. ત્યારે ખરેખર એવું લાગે છે કે ક્યાં સુધી આવી લાલીયાવાડી શિક્ષણ ક્ષેત્રે ચાલશે. હાલ તો આ મુદ્દો જામનગર શિક્ષણજગતમાં ભારે ચકચારી બન્યો છે.