જામનગરના ધ્રોલમાં આવેલ સુમરા ગામે કોઝવે તૂટેલ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી પડી હોવાનું સામે આવ્યું છે. ચોમાસા દરમિયાન કોઝવે તૂટ્યા બાદ હજી સુધી રિપેર ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક ધારાસભ્યની નબળી નેતાગીરીને કારણે સમસ્યાનું નિરાકરણ ન આવતું હોવાનાં આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન તૂટી ગયો કોઝવેનું કામ અત્યાર સુધી ન થતા આવતા ચોમાસે ગ્રામજનોને ફરી હાલાકીનો સામનો કરવો પડશે.
ગ્રામજનોને ભારે હાલાકી
ગત વર્ષે ચોમાસાની સિઝનમાં જામનગર જિલ્લામાં સારો એવો વરસાદ પડતા અનેક કોઝવે અને રસ્તાઓ તૂટી જવાના બનાવો સામે આવ્યા હતા. તે સમયે સરકાર દ્વારા આ તમામ રોડ રસ્તા તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે ગત ચોમાસામાં તૂટી ગયેલ કોઝવે હજુ સુધી રીપેર ન થતા ગ્રામજનો રોષે ભરાયા છે. હજુ સુધી કોઝવેનું કામ શરૂ ન થતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. ગત ચોમાસે પણ વિધાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરવી પડતી હતી. ત્યારે આ વર્ષે પણ કોઝવેનું કામ શરૂ ન થતાં વિધાર્થીઓ અને ગ્રામજનોને નદી પસાર કરવી પડશે. તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.