જામનગર પાસે આવેલ લાલપુરના મોડપર ગામે એક ખેડૂત તેમની 200 વિદ્યાની જમીનમાંથી 50 વિદ્યા જમીનમાં કાળા ઘઉંની ખેતી કરી રહ્યા છે. આ કાળા ઘઉંની ખેતી ઓછા ખેડૂતો જ કરી રહ્યા છે. આ કાળા ઘઉંની ખેતી સૌ પ્રથમ જાપાનમાં શરૂ થઇ હતી અને બાદમાં પંજાબમાં શરુ કરવામાં આવી હતી. પંજાબમાં બહુ જ ઓછા ખેડૂત કરી રહ્યા છે. ત્યારે હાલાર પંથકમાં એક માત્ર ખેડૂત આ ઘઉંની ખેતી કરી રહ્યા છે અને આ ઘઉંનું ઓનલાઇન વેચાણ કરી રહ્યાં છે.
ડિજિટલ યુગમાં હવે ખેડૂતો પણ ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે
પરિણામે, ખેડૂતોનો પોતાનો આર્થિક રીતે વિકાસ થયો છે. નવા અખતરા કરવાના સાહસને લઈ ખેડૂતો સફળ પણ થયા છે. આવા જ એક ખેડૂત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહે છે. તેઓએ કાળા ઘઉંની ખેતી કરી છે. છેલ્લા ચાર વર્ષથી કાળા ઘઉંની ખેતીમાં તેઓએ જબરી સફળતા હાંસલ કરી છે. અને મોટી વાત તો એ છે કે વિશ્વાસ ન આવે તેવા 2400 રૂપિયા જેવો મણ દીઠ તેઓને ભાવ પણ મળે છે.
50 વીઘા જમીનમાં કાળા ઘઉંનું વાવેતર કર્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના કિશનભાઈ ચંદ્રવાડિયા નામના યુવા અને પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને મોડપર ગામે તેઓની જમીન આવેલી છે. ખેતી ક્ષેત્રે તેઓને નવા નવા પ્રયોગ કરવા ખૂબ ગમતા હોવાથી આ પ્રયોગ કરવાની ટેવને લઈ તેઓએ કાળા ઘઉંની ખેતીમાં સિદ્ધિ હાંસલ કરી છે. તેઓએ કાળા ઘઉંનું વાવેતર કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી કાળા ઘઉંનું વાવેતર કરી રહ્યા છે. તેમને 200 વીઘા જમીન આવેલી છે. જેમાંથી 50 વીઘા જમીનમાં કાળા ઘઉંનું વાવેતર કર્યું છે. વર્ષ દરમિયાન 10 થી 12 ટન ઘઉંનું ઉત્પાદન કરી રહ્યા છે. કાળા ઘઉંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ મૂળ જાપાનમાં ત્યારબાદ પંજાબમાં તેની શરૂઆત થઈ હતી અને હવે ગુજરાતમાં પણ આ ખેતી કરવામાં આવી રહી છે.
આ કાળા ઘઉંના ઉત્પાદન થયા બાદ કાળા ઘઉંની બજારમાં માંગ રહેતી નથી
તેને ઓનલાઈન વેચવા પડે છે અને ઓનલાઈન કિલોના 100 રૂપિયાથી 120 રૂપિયા જેવો ભાવ મળે છે. એટલે કે મણ દીઠ 2400 રૂપિયા જેવો મોટો ભાવ મળે છે. હાલ આ યુવા ખેડૂત કિશનભાઈ પોતાની કંપની બનાવી છે અને તે કંપનીના માધ્યમથી ઓનલાઈન કાળા ઘઉંનું વેચાણ કરે છે. જેથી તેમને પૂરતા ભાવ મળે છે. સામાન્ય ઘઉંના 400 થી 500 રૂપિયા જ મણ દીઠ ભાવ મળે છે. કાળા ઘઉં મનુષ્યની હેલ્થ માટે ખૂબ સારા હોય છે. તેનાથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ રહે છે. આ ઉપરાંત આયર્ન, ઝિંક, પ્રોટીન સહિતના તત્વો હોવાનો પણ ખેડૂત દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.