- દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા
- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ
- છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે
અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમાં દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઈટ સાથે કરંટ જોવા મળ્યો છે.
છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો
છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાયત છે. અમરેલી શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રાજકમલ ચોક, ચિતલ રોડ, ભીડભંજન વિસ્તાર, લાઠી રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, હરી રોડ સહિતના શહેરના તમામ વિસ્તારમાં વરસાદ છે. જ્યારે ગ્રામ્યના દેવળીયા, ચક્કરગઢ, દાડમાં, વરુડી, ઇશ્વરિયા, વરસડા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ છે. વરસાદના પગલે સાવરકુંડલાના થોરડી ગામમાં નદીની માફક પાણી વહેતા થયા હતા.
વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
ધારી ગીર પંથક અને બગસરા પંથકમાં મેઘમહેર છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ધારી શહેર, છતડીયા, મોરઝર, હુડલી, આંબરડી, ડાંગાવદર, દલખાણીયા, ગોવિંદપુર, કુબડા, સરસિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. બગસરા શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદના કારણે રાજ્યના 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જેથી તે તમામ ગામો વીજળી વિહોણા થયા છે. સુરત જિલ્લાના સૌથી વધુ 6 ગામોમાં વીજળી ગુલ થઇ છે. ભાવનગર જિલ્લાના 5 અને રાજકોટ જિલ્લાના 4 ગામ તેમજ ભરૂચ અને વલસાડના 1-1 ગામમાં વીજ પુરવઠો ઠપ્પ થયો છે.