IPL 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા બીસીસીઆઈએ શુક્રવારે લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી. જોકે તે હવે ફરીથી શરુ થાય તેવી શક્યતા છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર હવે તે 16 મેથી શરૂ થઈ શકે છે. ફાઇનલ મેચ પહેલા 25 મેના રોજ યોજાવાની હતી પરંતુ હવે તે 30 મેના રોજ રમાશે.
ફાઇનલ મેચ 30 મેના રોજ રમાશે
ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ હવે આઈપીએલને 30 મે સુધી લંબાવવાની યોજના બનાવી રહ્યું છે. બીસીસીઆઈ આ લીગની બાકીની મેચો 16 મે થી ત્રણ સ્થળોએ યોજવાની યોજના બનાવી રહી છે. આ સિઝનમાં હવે કુલ 16 મેચો રમાવાની છે અને આ મેચો ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં યોજાઈ શકે છે.
આ સિઝનનો નવો કાર્યક્રમ રવિવારની રાત સુધીમાં આઇપીએલની ફ્રેન્ચાઈઝીઓ સમક્ષ જાહેર કરી દેવામાં આવશે. જોકે ઘણી ટીમોમાંથી વિદેશી ખેલાડીઓ પોત પોતાના દેશમાં પાછા જતા રહ્યા છે અને તેમને પાછા લાવવા તે એક મોટો પડકાર બની રહેશે.
બીસીસીઆઈના એક સૂત્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આઇપીએલને એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી હોવાથી હવે ફાઈનલ 25 મે ને બદલે 30મી મેના રોજ રમાશે અને બાકીની મેચો મર્યાદિત સ્થળોએ યોજાશે. રવિવારની રાત સુધીમાં તમામ ટીમોને કાર્યક્રમ મોકલી દેવામાં આવશે.
વધુ ડબલ-હેડર મેચ યોજાશે
હવે આ સિઝનમાં 12 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ બાકી છે અને આ ટૂર્નામેન્ટ પુરી થવામાં 2 અઠવાડિયા બાકી છે. તેથી વધુ ડબલ-હેડર મેચ થઇ શકે છે. બીજી તરફ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમના વિદેશી ખેલાડીઓને પાછા બોલાવવાની વ્યવસ્થા કરી રહી છે.
આ પણ વાંચો – રોહિત શર્મા પછી વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માંગે છે, BCCI એ કહ્યું – પુનર્વિચાર કરે
તમને જણાવી દઈએ કે આ લીગમાં અત્યાર સુધી 58 મેચ રમાઈ ચૂકી છે. આ પૈકીની 58મી મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. જોકે આ મેચ ફરી પુરી થશે કે નહીં તે અંગે કોઇ માહિતી મળી નથી. છેલ્લી 58 મેચોની વાત કરીએ તો ગુજરાત પોઈન્ટ ટેબલમાં હજુ પણ નંબર વન પર છે, જ્યારે આરસીબી બીજા સ્થાન પર છે. બંને ટીમોના 16-16 પોઈન્ટ છે. ઓરેન્જ કેપ હાલ સૂર્યકુમાર યાદવ પાસે છે, જ્યારે પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણા પાસે છે.