Indian Air Force Recruitment : ભારતીય વાયુસેના (IAF)એ અગ્નિવીર એરના પદ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. એરફોર્સમાં જોડાવાની તૈયારી કરી રહેલા યુવાનો આ સૂચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પ્રતીક્ષા પૂરી થઈ છે. આ નોટિફિકેશન એરફોર્સની ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાહેર કરવામાં આવ્યું છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈને તે નોટિફિકેશન વાંચી શકે છે.
એપ્લિકેશન પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
અગ્નિવીર એરના પદ માટે વાયુસેનાની આ અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને ઉમેદવારો 27 જાન્યુઆરી 2025 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે ખાલી જગ્યાઓની સંખ્યા હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. આ ભરતી દ્વારા ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવાશે. તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતી પરીક્ષા 22 માર્ચે યોજાશે.
ફેઝ 3માં શું થશે?
લેખિત પરીક્ષા પછી ફેઝ 2 માં શારીરિક કસોટી થશે અને ફેઝ 2 માં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ફેઝ 3 માં ભાગ લેશે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષા બાદ ઉમેદવારોએ મેળવેલા નોર્મલાઇઝ્ડ માર્કસ પર કટ ઓફ લાગુ કરવામાં આવશે અને રાજ્યવાર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. આ ઉમેદવારો ફેઝ 2 ની ફેઝિકલ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેશે. આ પછી ફેઝ 3 માં મેડિકલ પરીક્ષા થશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે તે જ ઉમેદવારો અરજી કરી શકે છે જે ધોરણ 12માં મા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં મિનિમમ 50 ટકા નંબર સાથે પાસ હોય. અથવા મિનિમમ 50 ટકા સાથે મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઓટોમોબાઈલ/કમ્પ્યુટર વિજ્ઞાન/ ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી/આઈ.ટી.માં એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા હોય. આ સિવાય ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિત સાથે 2 વર્ષનો વોકેશનલ કોર્સ, જેમાં કુલ 50 ટકા અને અંગ્રેજીમાં 50 ટકા ગુણ હોવા જોઈએ.
આ પણ વાંચો – ITI પાસ ઉમેદવારો માટે ONGCની સબસીડીઅરી કંપનીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક
મેડિકલ પરીક્ષા માટે આ યોગ્યતા
પુરુષ અને મહિલા ઉમેદવારોની લંબાઇ 152 સેન્ટીમીટર નિર્ધારિત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં મહિલાઓની લંબાઇ 147 સેમી નિર્ધારિત છે, જ્યારે લક્ષદ્વીપમાં મહિલાઓ માટે આ ઉંચાઈ 150 સેમી છે. આ ભરતી માટે 17.5 થી 21 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટ આપવામાં આવશે.
ફી અને પગાર
જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ 550 રૂપિયા ફી ચૂકવવી પડશે. એસસી, એસટી અને શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાથે જ આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને દર મહિને 30,000 રૂપિયા શરૂઆતી પગાર મળશે. જે બીજા વર્ષે વધીને 33,000 અને ત્રીજા વર્ષે 36,500 થઈ જશે. ત્યાર બાદ ચોથા વર્ષે આ પગાર વધારીને 40 હજાર રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવશે.