IND vs ENG: ભારતીય ટીમ મેનેજમેન્ટ આગામી T-20 વર્લ્ડ કપને નજરમાં રાખીને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં બેટિંગ ઓર્ડરમાં પ્રયોગો કરવા જઈ રહ્યું છે, તેવો ઈશારો ટીમના વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે કર્યો હતો. T-20 સિરીઝના પ્રારંભના એક દિવસ અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં અક્ષર પટેલે કહ્યું કે, ઓપનરો સિવાય બીજા કોઈનો બેટિંગ ક્રમ નક્કી નથી. ત્રીજાથી લઈને સાતમા ક્રમ સુધીના બેટ્સમેનોને ગમે તે ક્રમે ઉતારવામાં આવી શકે છે.
ખેલાડીઓના બેટિંગ ક્રમમાં ફેરફાર કરીને નવી બેટિંગ લાઈનઅપ બનાવવાનો પ્રયાસ
T-20 વર્લ્ડ કપમાં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. હાલમાં T-20 ટીમનું સુકાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે અને હેડ કોચ ગંભીરે આગામી T-20 વર્લ્ડ કપની તૈયારીઓ તરફ મીટ માંડી છે. આ કારણે ઈંગ્લેન્ડ સામેની T-20 સિરીઝમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓના બેટિંગ ક્રમમાં ફેરફાર કરીને નવી બેટિંગ લાઈનઅપ બનાવવાનો પ્રયાસ કરશે તેમ લાગી રહ્યું છે.
બેટરની રનગતિ વધારવા માટે બેટિંગ ઓર્ડરમાં અગ્રતાક્રમ
તાજેતરમાં ભારતે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, તિલક વર્મા, સુંદર તેમજ રિન્કુ જેવા બેટરની રનગતિ વધારવા માટે બેટિંગ ઓર્ડરમાં અગ્રતાક્રમ આપ્યો છે. અક્ષરે કહ્યું કે, અમારો મીડલ ઓર્ડર મેચની પરિસ્થિતિ પર આધારિત રહેશે. મેચમાં જે તે તબક્કે કયા બોલરો બોલીંગ કરી રહ્યા છે અને તે સમયે ક્રિઝ પર કેવા પ્રકારનું મેચ-અપ જરુરી છે. T-20 ક્રિકેટમાં કોઈ પણ ટીમ બેટરનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે મહત્ત્વનું છે અને અમે તે દિશામાં જ આગળ વધી રહ્યા છીએ.
અક્ષર પટેલને બેટિંગ ઓર્ડરમાં અગ્રતાક્રમ
ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયમાં અક્ષર પટેલને બેટિંગ ઓર્ડરમાં અગ્રતાક્રમ આપ્યો છે અને તેણે ટીમ મેનેજમેન્ટના ભરોસાને ખરો પણ સાબિત કરી બતાવ્યો છે. માત્ર ભારત તરફથી જ નહીં, તેને ઘરઆંગણાના ક્રિકેટમાં ગુજરાત તરફથી અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી બેટિંગમાં આગળના ક્રમે તક મળી છે. તેણે છેલ્લા બે વર્ષમાં ત્રીજા, ચોથા, છઠ્ઠા અને સાતમાં ક્રમે બેટિંગમાં ઉતરીને કુલ મળીને છ અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: રોહિત જ નહીં વિરાટ કોહલી પણ રમશે રણજી ટ્રોફી, 13 વર્ષ બાદ વાપસીની તૈયારી
વાઈસ કેપ્ટન્સી અંગે અક્ષરે કહ્યું કે, જ્યારે તમે ટીમનું નેતૃત્વ કરી રહેલા ગ્રૂપમાં સામેલ હોવ, ત્યારે જવાબદારી વધી જાયછે. ભારતની T-20 ટીમ સેટલ છે એટલે જવાબદારીનો બોજો પડે તેમ નથી, પણ મેચ દરમિયાન ઘણા નિર્ણયો લેવામાં તમારે ભૂમિકા ભજવવાની હોય છે. અમારે કેટલાક આકરા નિર્ણયો લેવા પડે છે અને ટીમના હિતમાં જે સાચો હોય તેવો અભિપ્રાય પણ રજુ કરવાનો હોય છે.