હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આજે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું. પ્રમુખ ભૂમિકાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી સભામાં રૂ.3433.29 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું.
.

તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદીયાના જણાવ્યા અનુસાર, બજેટમાં રૂ.3493.11 લાખની ઉઘડતી સિલક દર્શાવવામાં આવી છે. સ્વભંડોળ સહિત રૂ.1955.28 લાખની અપેક્ષિત આવક સાથે રૂ.3433.29 લાખની પુરાંતની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે સૌથી વધુ રૂ.209 લાખની જોગવાઈ કરાઈ છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ.50 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂ.2.10 લાખ અને આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ માટે રૂ.1.20 લાખની ફાળવણી કરવામાં આવી છે.
ખેતીવાડી માટે રૂ.21 લાખ, પશુપાલન માટે રૂ.1 લાખ અને સમાજકલ્યાણ માટે રૂ.5.70 લાખની જોગવાઈ કરાઈ છે. કુદરતી આફતો માટે રૂ.50 હજાર અને નાની સિંચાઈ ક્ષેત્ર માટે રૂ.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતની સ્વભંડોળની આવકો મર્યાદિત હોવા છતાં, તાલુકાના વિકાસ કામો માટે નિયમ મુજબ રકમની ફાળવણી કરવામાં આવી છે.