હિંમતનગરના બેરણા પાસે આવેલા ગ્રોમોર કેમ્પસમાં ચાર દિવસ પહેલા બીસીએના વિદ્યાર્થી ઉમંગ ગામેતીએ કોલેજના ત્રીજે માળેથી કૂદકો માર્યો હતો. જેનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિદ્યાર્થીઓના વાલીઓની પોલીસ તપાસ કરવા માગ ઉઠી
કયા કારણોસર વિદ્યાર્થીએ કૂદકો માર્યો તે મામલે સમગ્ર હિંમતનગર તાલુકામાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થતાં ગ્રોમોર કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓની પોલીસ તપાસ કરવા માગ ઉઠી રહી છે. ગત સોમવારે ગ્રોમોર કેમ્પસમાં ત્રીજે માળથી એક વિદ્યાર્થી ઉમંગ કનુભાઈ ગામેતીએ અગમ્ય કારણોસર કૂદકો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને મોતીપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું
જે અંગે ખાનગી હોસ્પિટલમાંથી ટેલિફોન વર્ધીથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ બપોર બાદ બીજીવાર ટેલિફોન વર્ધી હોસ્પિટલમાંથી નોંધાવવામાં આવી હતી. જેથી ગાંભોઈ પોલીસ હોસ્પિટલ પહોંચીને સારવાર લઈ રહેલા વિદ્યાર્થીની પુછપરછ હાથ ધરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા ઉમંગનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતુ. ઉમંગે ગ્રોમોર કોલેજના ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
મામલાની તપાસ કરનાર બીટ જમાદાર શું કહે છે?
ગ્રોમોર કોલેજમાં વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેવી ગાંભોઈ પોલીસને જાણકારી મળતાં જ બીટ જમાદાર ભાવેશ ચૌધરી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ કે જ્યાં 24 વર્ષીય ઉમંગ કનુભાઈ ગામેતીની સારવાર ચાલતી હતી. ત્યાં પહોંચી જઈને તેની પુછપરછ કરતાં તેમણે આ મામલે કોઈ પણ જવાબદાર નથી, તેમજ પ્રેમ પ્રકરણનો ઈન્કાર કરીને તથા કોઈની સાથે ઝઘડો થયો નથી તેમ નિવેદન આપ્યું હતુ. જેની વધુ તપાસ કરવા અમે કોલેજના સીસીટીવી ચેક કરતાં ઉમંગ સ્વંય કૂદયો હતો તે જણાઈ આવ્યુ હતુ.
ગ્રોમોર કોલેજના સંચાલક શું કહે છે?
ગ્રોમોર કોલેજના સંચાલકે જણાવ્યુ હતુ કે અમારી કોલેજમાં બીસીએમાં અભ્યાસ કરતાં ઉમંગે ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હોવાના સમાચાર મળતાં જ તેના વાલીને આ મામલે જાણ કરીને અમે ઈજાગ્રસ્ત થયેલ ઉમંગને તાત્કાલિક શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધો હતો. જેને સમગ્ર ઘટના માટે કોઈ જવાબદાર નથી તેમ પોલીસને જણાવ્યુ હતુ. ત્યારબાદ ત્રીજા માળેથી કૂદકો મારવાના કારણે તેના ઈન્ટરનલ ઓર્ગન ડેમેજ થઈ ગયા હોવાથી તેનું મોત નીપજયુ હતુ.