વેપારીને સ્વામિનારાયણ મંદિર માટે ટોપી સપ્લાયના બહાને બોલાવતા તબીબ પુત્ર સાથે આવ્યા હતા. કોમ્પલેક્ષની ઓફિસમાં પિતા-પુત્રને પટ્ટી બાંધી માર મારવામાં આવ્યો. મુંબઈના તબીબે એક સહિત 6 વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી.
મુંબઈના વેપારીને હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે ટોપીની જરૂરીયાત હોઈ ટોપી સપ્લાયના બહાને મોબાઈલ ધારકે હિંમતનગર બોલાવી શુક્રવારે વેપારી તેમજ તેના તબીબ પુત્ર સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા હતા. ત્યારબાદ બંન્નેનું અપહરણ કરી મંદિર સામેના કોમ્પલેક્ષમાં લઈ ગયા હતા. જયાં પિતા-પુત્રને દોરી અને પટ્ટી વડે બંધક બનાવી ઢોર માર મારી 5 કરોડની ખંડણી માગી જાનથી મારવાની ધમકીઓ આપતા ચકચાર મચી છે. ઘટનાનો ભોગ બનનાર પિતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. અપહરણ કરી બંધક બનાવી ઢોર માર મારી કરોડોની ખંડણી માંગવાની ચકચારી ઘટના મામલે મુંબઈના તબીબે શુક્રવારે હિંમતનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકુમાર સંઘવી સહિત છ જણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ છે.
ખંડણી લેવાનું પૂર્વ આયોજીત કાવતરૂ
આ અંગેની વિગત એવી છે કે મુંબઈના વેપારી પાસેથી ખંડણી લેવા માટે પૂર્વ આયોજીત કાવતરૂ રચી ઢોર માર મારવાની ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈમાં દાંતના ડૉકટરનો વ્યવસાય કરતા પ્રશાંત કોઠારીના પિતા રાજેન્દ્ર રંગરાજ કોઠારી મુંબઈમાં રમેશ ટ્રેડીંગ નામથી ટોપી અને રેડીમેન્ટ યુનિફોર્મનો વેપાર કરી રહ્યા છે. વેપાર કરતા પિતાને તબીબ પુત્રએ પાંચેક વર્ષ પહેલા ઈન્ડીયા માટે એપ્લિકેશન પર તેમના વ્યવસાય રમેશ ટ્રેડીંગના નામથી એકાઉન્ટ બનાવી આપ્યો હતો. દરમ્યાન ગત તા.૩૦ ઓગસ્ટના રોજ હિંમતનગરના રાજકુમાર સંઘવીએ પોતાના મોબાઈલ નં.6354842570 પરથી વોઈસ કોલ કરી હિંમતનગર સ્વામિનારાયણ મંદિર માટે એક લાખ ટોપીની જરૂરીયાત હોવાનું જણાવી ટોપીના સેમ્પલ લઈ હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર ખાતે આવવા જણાવ્યુ હતું.
વેપારી હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા હતા
ત્યારબાદ તબીબ પ્રશાંતભાઈ અને તેમના પિતા રાજેન્દ્ર કોઠારી તા.03 ઓક્ટોબરે મુંબઈથી અમદાવાદ આવી રાજકુમાર સંઘવીએ બુક કરાવેલ ગાડીમાં બેસી ગુરુવારે હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આવ્યા હતા. ત્યારબાદ તબીબે રાજકુમારને ફોન કરી સ્વામિનારાયણ મંદિર ખાતે આવી ગયા છીએ તેમ કહેતા તેણે હાલ મારી દુકાને આવી ચર્ચા કરીએ ત્યારબાદ મંદિર જઈશું તેમ કહી પિતા-પુત્રને કેબની ગાડીમાં મંદિર સામે આવેલા કોમ્પલેક્ષ પાસે બોલાવ્યા હતા. જયાં બન્ને પિતા-પુત્ર રાજકુમાર સાથે કોમ્પલેક્ષમાં આવેલ દુકાનમાં જઈ ટોપીના સેમ્પલ માંગતા તે બતાવી ખરીદી સંદર્ભે વાતચીત કરતા હતા.
પિતા-પુત્રને પ્લાસ્ટીકની પાઈપોથી ઢોર માર માર્યો
દરમ્યાનમાં દુકાનના પાર્ટેશન પાછળથી ચારેક શખ્સોએ આવી તબીબ તેમજ તેના વેપારી પિતાને ઘસડીને દુકાનની બીજી બાજુ લઈ ગયા હતા. જયાં બન્નેને દોરી બાંધી અને આંખો પર પટ્ટી બાંધી હવે અહીથી છુટવુ હોયતો અમારા બોસ કહે તે મુજબની રકમ આપવી પડશે તેમ કહી રૂા.5 કરોડની માંગણી કરવા સાથે આવેલ શખ્સોએ પિતા-પુત્રને પ્લાસ્ટીકની પાઈપોથી ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ વેપારીએ તેમના મિત્રને ફોન કરી મારે પૈસાની જરૂર છે 50 લાખ રૂપીયાની સગવડ કરી આપો તેમ કહી ફોન મુકી દિધો હતો. જેની જાણ મુંબઈમાં રહેતા વેપારીના મોટા પુત્રને થતા તેણે નાના ભાઈને ફોન કરી આટલા પૈસાની કેમ જરૂર પડી તેનુ પુછી લોકેશન મોકલવા અને વીડિયો કોલ કરવા જણાવ્યુ હતુ તે વખતે ફોન સ્પીકર ફોન ચાલુ હોઈ અપહરણકારો આ વાતચીત સાંભળતા ફોન કટ કરી નાખ્યો હતો. અને ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ કોઈને કરશો તો જાનથી મારવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા.