સાબરકાંઠા જિલ્લામાં નવાવાસ (ચાંડપ) ગામે શાહુડીના શિકાર કેસમાં છ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લા ફોરેસ્ટર હર્ષ ઠકકરની સુચના મુજબ જિલ્લામાંથી વન્ય પ્રાણી શિકારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ વિ. આર. ચૌહાણના માર્ષદર્શન હેઠળ તુષાર એમ. દેસાઇ પરિક્ષેત્ર વન અધિકારી વડાલીની આગેવાની હેઠળ વિ.સી. ચાવડા વનપાલ, એસ.એન.ચૌધરી વનરક્ષક, એસ.એ.ચૌધરી વનરક્ષક અને ડી.આર.દેસાઇ વનરક્ષકની ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે નવાવાસ (ચાંડપ) તથા જંગલની બાઉન્ડ્રી ઉપર વન્યપ્રાણી શાહુડીનો શિકાર થયાની જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વડાલી રેન્જની ફોરેસ્ટની ટીમ ઘ્વારા તપાસ કરતાં ગુના સાથે સંકળાયેલ આરોપીઓની અટકાયત કરી હતી. બાદમાં આરોપીઓએ ગુનો કબુલ કરતાં સરકારી પંચો સાથે રૂબરૂ સ્થળ ઉપર લઇ જઇ રીકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસ પૂર્ણ કરી ભારતીય શાહુડી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 તેમજ સુધારા અધિનિયમ 2022 અંતર્ગત વડાલી કોર્ટમાં રજૂ કરતાં તમામ આરોપીઓના કોર્ટ ઘ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને દિન-14ની જયુ. કસ્ટડીમાં સબ જેલ હિંમતનગર ખાતે હવાલે કરવામાં આવ્યા હતા.