હિંમતનગર તાલુકાના રામપુરના ખેડૂત અને બેંક નિવૃત્ત કર્મચારીને ચાર બાવાઓએ તમારા ઘરમાં દૈવી શકિતનો પ્રકોપ છે, જો વિધિ નહી કરાવો તો તમારા ઘરના માણસો મરી જશે તેવુ કહીને રૂ.30,14,500 પડાવી લેવાના બનાવ અંગે ગાંભોઇ પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠબા ગામમાંથી એક શખ્સને ઝડપી લઇ રૂ.27,00,500નો મુદ્દામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી.
આ અંગે એલસીબી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંભોઇ પોલીસ મથકમાં મનહરસિંહ ચૌહાણે ચાર અજાણ્યા બાવાઓ સામે રૂ.30,14,000ની છેતરપીંડી અંગે ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે તાંત્રિક વિધિના બહાને પરેશ મનુભાઇ પરમાર તથા રમેશનાથ તુલસીનાથ મદારી (બન્ને રહે. કોઠબા, તા.લુણાવાડા, જિ.મહિસાગર)નાઓએ નાણા પડાવ્યા છે. જેથી બન્ને ઇસમોની તપાસ કરતા રમેશનાથ તુલસીનાથ મદારી નામનો શખ્સ મળી આવ્યો હતો. જયારે પરેશકુમાર મનુભાઇ પરમાર પોલીસ પકડથી દુર છે. જે અંગે પોલીસે રમેશ મદારીની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે પરેશકુમાર મનુભાઇ પરમાર તથા તેની સાથે બીજા માણસો બાવાના વેશમાં નિકળી ભોળા લોકોને વિશ્વાસમાં લઇ કોઇના કોઇ બહાને રૂપિયા કઢાવતા હતા.
દેવી-દેવતાના પ્રકોપના નામે ખેડૂત સાથે છેતરપિંડી
પંદરેક દિવસ ઉપર પરેશકુમાર મનુભાઇ પરમારે વાત કરી હતી કે હિંમતનગરના રામપુર ગામના એક કાકા તથા તેમના દિકરાને તેમના ઘરમાં દેવી-દેવતાનો પ્રકોપ હોય જેથી તેમના ઘરના માણસો મરણ પામશે જે અટકાવવા સારૂ તાંત્રિક વિધી કરવી પડશે તેવું કહી વિશ્વાસમાં લીધા હતા અને તેઓ પાસેથી અગાઉ ગાંભોઇ આજુબાજુ વિસ્તારમાં બોલાવી રૂપિયા લીધેલ છે અને તેઓની વિધિ કરવા માટે ફરીથી બીજા રૂપિયા લઇ લુણાવાડા નજીક બોલાવ્યા છે. જેથી રાત્રીના સમયે પરેશ પરમાર બાઇક લઇ આવેલો અને તેન આ કાકાને ફોન કરીને બોલાવ્યા હતા તે જગ્યાએ નજીક જઇ રમેશનાથ મદારી રૂપિયા લેવા જતો હતો. જેથી અલગ અલગ જગ્યાએ બે વખત રૂ.14,70,000 મળી કુલ 29,40,000 લીધા હતા. તે નાણાંમાંથી પરેશ પરમારે આશરે રૂ.2 લાખ જેટલા કાઢીને બાકીના રૂપિયા રમેશનાથ તુલસીનાથ મદારીને રાખવા માટે આપ્યા હતા તે રૂપિયા રમેશનાથ મદારીએ તેના ઘરે રાખ્યા હતા. પોલીસે રમેશનાથ તુલસીનાથ મદારી પાસેથી રોકડ રકમ રૂપિયા 500ના દરની ચલણી નોટોના બંડલ નંગ 54 કુલ રોકડ રકમ રૂ.27 લાખ તથા મોબાઇલ મળી કુલ રૂ.27,00,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.