પ્રાંતિજ તાલુકાના મજરાથી તલોદ જતા રોડ પર આવેલ દલાની મુવાડી નજીકથી ત્રણ દિવસ અગાઉ એક વેપારી અને તેના સગા અમદાવાદ રૂપિયા 1.50 કરોડ રોકડ બે થેલામાં ભરી આપવા જતા હતા. ત્યારે તલોદના આ વેપારીને પોતાનું મકાન બનતુ હોવાથી પૈસાની સખ્ત જરૂરીયાત હોવાનું માનીને સગાની મદદથી રૂપિયા 1.50 કરોડની ચોરી થયાનું તરકટ રચ્યું હતુ. તો બીજી તરફ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ સાબરકાંઠા એલસીબીએ સંપૂર્ણ તપાસ કરીને ચોરીનું તરકટ રચનાર તલોદના વેપારી તથા તેના સગાની ધરપકડ કરી રોકડ, મોબાઇલ અને કાર સહિત અંદાજે રૂપિયા 1.53 કરોડનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
આરોપીઓની પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું
આ અંગે એલસીબીના પીઆઇ એસ.એન. કરંગીયા, પીએસઆઇ ડી.સી. પરમારની આગેવાનીમાં પોલીસની વિવિધ ટીમો બનાવીને તપાસનો દોર આરંભવામાં આવ્યો હતો. દરમિયાન સ્થળ મુલાકાત કર્યા બાદ નાણા લઇને જનાર અશ્વિન પટેલની કડક પુછપરછ કરાઇ હતી. જેમાં તેણે કબુલ્યુ હતુ કે મકાન બનતુ હોવાથી પૈસાની જરૂરીયાત હતી. જેથી તેમણે સગા મહેશકુમાર પશાભાઇ પટેલને સાથે રાખી પૈસા હડપ કરી જવાની યોજના બનાવી હતી તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે અમદાવાદમાં રહેતા કેવીન મહેતાને શંકા જતા તેમણે ઘટના બની તેના બીજા દિવસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પોલીસે ઝીણવટભરી તપાસ કર્યા બાદ અશ્વિન રણછોડભાઇની સઘન પુછપરછ કરાતા તેમણે ચોરીનું તરકટ રચ્યું હોવાની કબુલાત કરી હતી. ત્યારબાદ એલસીબીએ અશ્વિન પટેલ પાસેથી રૂપિયા 5 હજારનો મોબાઇલ તથા સગા મહેશ પટેલના ઘરેથી અંદાજે રૂપિયા 1.50 કરોડ રોકડ કબ્જે લીધા હતા તથા તરકટ રચવા માટે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૩ લાખની કાર સહિત મુદ્દામાલ કબ્જે લઇને બન્ને જણા વિરૂધ્ધ કલમ 303 (2),54316 (1), એમવીએકટની જોગવાઇ મુજબ બન્નેની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે.