હિંમતનગરના પોશ વિસ્તાર એવા મહાવીરનગરના દોલત વિલાસ પેલેસ રોડ પર આવેલા ભર બપોરે ફ્લેટમાં તસ્કરોએ ત્રાટકીને ત્રણ બંધ ફ્લેટને નિશાન બનાવ્યા હતા. જોકે તસ્કરોએ જીઇબીમાં ફરજ બજાવાતા કર્મચારીના ફલેટનુ તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા 1.57 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવ અંગે હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
માહિતી અનુસાર, હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ અપૂર્વ ફલેટમાં શુક્રવારે બપોરના સુમારે તસ્કર ટોળકી ફલેટમાં ઘુસી ગઇ હતી અને ત્રણ ફલેટને નિશાન બનાવ્યા હતા. જેમાં ફલેટ નંબર 305માં રહેતા નિખીલ ભટ્ટના પત્ની બજારમાં ખરીદી માટે ગયા હતા તે દરમિયાન તાળુ તોડી તિજોરીમાં રાખેલ સોનાની લકી એક તોલાની રૂપિયા 60 હજાર, સોનાની વીંટી 3 દોઢ તોલાની રૂપિયા 60 હજાર, બુટ્ટી પેન્ડલ અને ચેનનો સેટ રૂપિયા 30 હજાર, સેમસંગ કંપનીનો એક મોબાઈલ 7 હજાર મળીને રૂપિયા 1,57,000નો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગેની જાણ થતા નિખીલ અને તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી. જે અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમ ડોગસ્કવોર્ડ તેમજ એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.