હિંમતનગર બી-ડિવીઝન પોલીસને કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલવા માટે નવરાત્રિ દરમિયાન રાત્રે કરાઈ રહેલુ પેટ્રોલીંગ લેખે લાગ્યુ હોય તેમ મનાઈ રહયું છે. દરમિયાન બી-ડિવીઝન પોલીસના સ્ટાફે મંગળવારે વાહન ચેકીંગ દરમિયાન ધાણધા ફાટક પાસેથી શંકને આધારે બે ઉઠાવગીરોને દબોચી લેવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ પોલીસે બંને પાસેથી ચોરાયેલા બે બાઈક તથા મોબાઈલ મળીને અંદાજે રૂ.75 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલા 2 પૈકી એક ઉઠાવગીર દારૂની હેરાફેરી કરતો હોવાના ગુનામાં ગાંધીનગર જિલ્લામાં પણ તેની વિરૂધ્ધ ગુનો નોંધાયેલો છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, બી-ડિવીઝનનો સ્ટાફ મંગળવારે નવરાત્રિની રાત્રે વાહન ચેકીંગ કરી રહયો હતો, દરમિયાન કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફૂટેજને આધારે બી-ડિવીઝનની હદમાં થયેલી વાહન ચોરીનો અભ્યાસ કર્યો હતો. તેમજ બાતમીને આધારે બી-ડિવીઝનના સ્ટાફે વાહન ચેકીંગ દરમિયાન ધાણધા ફાટક તરફથી મહેતાપુરા સર્કલ આવી રહેલા અંદાજે રૂ.35 હજારની કિંમતના બાઈક નં.જીજે.09સીવી.1424ને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. એટલુ જ નહીં પણ તેમની પાસેનું આ બાઈક થોડાક મહિના અગાઉ હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલુ હોવાની ફરિયાદ નોંધાઈ ચુકી હતી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા ગોપાલસંગ રણછોડજી પુરોહિત (રહે.ગાંભોઈ) તથા હિંમતનગરમાં રહેતો બંસીલાલ જેઠારામ ખત્રી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યુ હતુ અને તેની પાસેથી પણ ચોરાયેલ રૂ.20 હજારની કિંમતના બાઈક જીજે.31બીએ.92 પર મળી આવ્યુ હતુ. તેમજ પોલીસે બંને પાસેથી મળીને રૂ.20 હજારના બે મોબાઈલ મળી રૂ.75 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
હિંમતનગરમાં રહેતો અને બાઈક ચોરીમાં સંડોવાયેલ શખ્સ છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પોલીસના ચોપડે બોલે છે તેણે અગાઉ પરિવારના જ એક સભ્યનું વાહન ચોર્યુ હતુ. એટલુ જ નહીં પણ આ શખ્સ વિરૂધ્ધ થોડાક સમય અગાઉ દારૂની હેરાફેરીના ગુનામાં ગાંધીનગર જિલ્લામાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસને વિવિધ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખૂબ જ અનુકુળતા રહેશે.