હિંમતનગર શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાયકાનગર વિસ્તારમાં ગંદકી ફેલાવનાર 11 રહીશોના નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
નગરપાલિકા સેનેટર ઇન્સ્પેકટર દિપકભાઇ જાનીએ જણાવ્યુ હતુ કે, હિંમતનગર શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત દરેક વોર્ડમાં સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. રાયકાનગર વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા નળ ચાલુ રાખીને પાણીનો બગાડ કરવામાં આવતો હતો. તેમજ રસ્તા ઉપર પાણી ઢોળવામાં આવતુ હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને 11 રહીશોના નળ કનેકશન કાપવામાં આવ્યા હતા.
અનેક લોકો દ્વારા પાણીનો બગાડ કરવામાં આવે છે
રાજ્યમાં અનેક જગ્યાએ પીવાના પાણીની ભારે અછત સર્જાતી હોય છે. ત્યારે બીજીબાજુ અનેક લોકો પાણીનો વ્યાપક સ્તરે બગાડ કરતા હોય છે. પાણીનો બગાડ અટકાવવા તેમજ જાહેર રસ્તાઓ પર ગંદકી કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે.