નવરાત્રિ અને દિવાળીના તહેવારોને લઇને આંતર રાજયમાંથી પાસપરમીટ વિના વિદેશી દારૂ સાબરકાંઠા થઇને અન્ય સ્થળે ઘુસાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે શનિવારે સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાંબડીયા રોડ પરથી પોલીસે બાતમીને આધારે એક ટેન્કરના ગુપ્ત ખાનામાં ભરી લઇ જવાતો પાસપરમીટ વિનાનો અંદાજે રૂપિયા 8.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇને ખેરોજ પોલીસે એક જણાની અટકાયત કરી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
8.60 લાખથી વધુની કિંમતની 2040 બોટલ મળી આવી
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખેરોજ પોલીસને એવી બાતમી મળી હતી કે રાજસ્થાનથી લાંબડીયા જતા રોડ પર થઇને એક ટેન્કરના ગુપ્ત ખાનામાં દારૂનો જથ્થો લઇ જવાઇ રહ્યો છે. જે આધારે પોલીસે લાંબડીયા રોડ પર શનિવારે વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ. દરમિયાન બાતમી મુજબ આવી રહેલ ટેન્કર નંબર જીજે.06.વી.વી.6705 પસાર થતા તેને પોલીસે અટકાવી હતી. ત્યારબાદ ટેન્કરમાં તપાસ કરતા ગુપ્ત ખાનામાંથી પાસ પરમીટ વિનાની અંદાજે 8.60 લાખથી વધુની કિંમતની 2040 બોટલ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મોબાઇલ અને ટેન્કર મળીને અંદાજે રૂપિયા 13.60 લાખનો મુદ્દામાલ કબ્જે લઇને માંગીલાલ રૂગનાથરાય બિસ્નોઇની અટકાયત કરી હતી તથા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા રામલાલ ભુભતારામ બિસ્નોઇ, હીરસિંગ અને દારૂનો જથ્થો મંગાવનારને શોધી કાઢવા માટે ખેરોજ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.