હિંમતનગર તાલુકાના રામપુર (ગાંભોઇ) ગામના ખેડૂતો પોતાના પરિવાર સાથે હાથરોલ નજીક જઇ રહ્યા હતા. ત્યારે ચાર બાવાઓએ ગાડી ઉભી રાખવાનો ઇશારો કરી ગાડી ઉભી રખાવી વિશ્વાસમાં લઇ તમારા ઘરમાં દૈવ શકિતનો પ્રકોપ છે તેમ જણાવ્યું હતું. અને જો તમે વિધિ નહીં કરાવો તો તમારા ઘરના માણસો મરી જશે તેવી ધમકીઓ આપી જાદુઇ તાંત્રિક વિધિ કરાવાના બહાને અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ બોલાવી રૂપિયા 30,14,000 લઇ લીધા હતા. જે અંગેની જાણ થતા ખેડૂતે ગાંભોઇ પોલીસ મથકમાં ચાર અજાણ્યા બાવાઓ વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે ગાંભોઇ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મનહરસિંહ કેશાજી ચૌહાણ (ઉં.વ.60, ધંધો ખેતી, રહે.રામપુર, ગાંભોઇ)નાઓ ગત તા.28-08-24ના રોજ બોલેરો ગાડી લઇને મોડાસા મુકામે દીકરીના ઘરે જવા નિકળ્યા હતા. તે દરમિયાન હાથરોલ ગામ પાસે હાથી સાથે બાવા ઉભા હતા. તેઓએ ગાડી ઉભી રાખવાનો ઇશારો કરતા તેમના દીકરા અંશુમાને ગાડી ઉભી રાખી હતી. બાવાઓએ પૈસા માંગતા રૂપિયા 10 ખીસ્સામાંથી આપ્યા હતા. આ બાવાઓએ મનહરસિંહ કેશાજી ચૌહાણ પાસેથી રૂપિયા 10 લીધા નહી અને વધુ પૈસાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે અમારે અંબાજી જવું છે એક ઘીના ડબ્બાના પૈસા આપો, તમારા નામનો દીવો કરીશું. જેથી મનહરસિંહ ચૌહાણે બીજા રૂપિયા 3 હજાર આપ્યા હતા.
આ બાવાઓએ મનહરસિંહ ચૌહાણ તથા તેમના દીકરા અંશુમાન ચૌહાણને માળા પહેરાવી હતી. ત્યાર બાદ બાવાએ અંશુમાનનો મોબાઇલ નંબર લઇ કહ્યું હતું કે હું અંબાજીમાં તમારા દીવા કરીશ તે વખતે તને ફોન કરીશ. જેથી અંશુમાને મોબાઇલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ પરિવાર સાથે અમે મોડાસા ગયા હતા.
મોડાસા સામાજીક કામ પૂર્ણ કરી ઘરે પરત આવ્યા હતા. તે દરમિયાન તેમના દીકરા અંશુમાને કહ્યું હતું કે મારા મોબાઇલ ઉપર કાળા કપડા પહેરેલ બાવાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમે જે માળા પહેરી છે તે કાઢશો નહી. જો કાઢશો તો તમારા પરિવારના તમામ માણસો મરી જશે અને જો તમારે જીવવુ હોય તો તાત્કાલિક રૂપિયા 21 હજાર લઇને માનપુર ખાતે અમે જઇએ છીએ ત્યાં આવી જાવ. જેથી રૂપિયા 21 હજાર આપી દીધા હતા.
ત્યાર બાદ બાવાએ ફુંક મારી કહ્યું હતું કે હવે બચ્ચા તને કહીં નહી થાય તું જા. ત્યાર બાદ બાવાજીનો ફોન આવ્યો હતો કે રૂપિયા 50 હજાર લઇને હમીરગઢ આવો, તમે રૂપિયા આપશો તો તમને કહીં નહી થાય. જો તમે નહીં આપો તો તમે મરી જશો. જેથી અંશુમાન મને વાત કરતા અમારો પરિવાર ડરી ગયો હતો અને રૂપિયા 50થી 50 હજાર લઇને હમીરગઢ ગામે રોડ ઉપર ઉભેલા બાવાને આપ્યા હતા. જોકે ત્યાર બાદ આ બાવાએ અમારા ગુરૂજીનો તમારા ઉપર ફોન આવશે, તમો એમની સાથે વાત કરશો તેમ કહીને બાવાઓ જતા રહ્યા હતા.
ત્રણ દિવસ પછી અંશુમાનના મોબાઇલ ઉપર ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું ગુરુ બોલું છું, જૂનાગઢથી અમદાવાદ જવાનો છું અને અમદાવાદથી પાવાગઢ જવાનો છું. તમારી જે સમસ્યા હોય તેનો નિકાલ હું રૂબરૂમાં મળી કરી આપીશ. જો તમારા ગળામાં પહેરેલ માળા કાઢશો તો તમારો પરિવાર ખલાસ થઇ જશે તેવી ધમકી આપી હતી. જેથી તેઓ ડરી ગયા હતા. ત્યાર બાદ અલગ અલગ જગ્યાએ વિધી કરાવના બહાને રૂપિયા 30,14,000 બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા.
આ અંગે મનહરસિંહ ચૌહાણે ગાંભોઇ પોલીસ મથકમાં ચાર અજાણ્યા બાવાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 316 (2),308 (2),54 તથા જાદુઈ કલમ 7 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.