ઈડર તાલુકાના સદાતપુરા પ્રા. શાળામાં ભણતા બાળકો તાજેતરમાં બસમાં બેસી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એસટી બસના ડ્રાઈવરે ગમે તે કારણસર આ બાળકોને રસ્તામાં ઉતારી દેતાં તેઓ રજળી પડ્યા હતા. સમયસર બાળકો ઘરે ન આવતા વાલીઓ પણ ચિંતામાં મુકાઈને દોડધામ કરવા લાગી ગયા હતા.
અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે બસમાં આવે છે
આ અંગેની વિગત એવી છે કે ઈડરના સદાતપુરા ખાતે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જેમા ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે, જયાં ગામડાઓમાંથી અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે બસમાં આવે છે જેમના માટે એસટી નિગમ દ્વારા સરકારની સુચના મુજબ રોજબરોજ ગામડાઓમાંથી આવતા બાળકો માટે શાળાના સમય પ્રમાણે બસ દોડાવવામાં આવે છે. ત્યારે ઈડર બસના કર્મચારીઓની મન માનીના કારણે નાના બાળકોને ઘરે જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દરમ્યાન તા.૩ ને ગુરુવારે શાળાના નિયત સમય પ્રમાણે બાળકો શાળાએ આવી ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે શાળા છૂટયા બાદ ઈડરના રામનગર વિસ્તારમાંથી ભણવા આવેલ નાના બાળકો સમય પ્રમાણે એસટી બસની રાહ જોઈ ઉભા હતા ત્યારે મોડે મોડે એસટી બસ આવી જેમા બાળકો બેસી પોતાનાં ઘર તરફ જવા રવાના થયા હતા. ત્યારે બાળકોના વાલીઓના કહેવા પ્રમાણે એસટી બસના કર્મચારીઓ દ્વારા બાળકોને રસ્તામાં બસ ડેપોમાં ઉતારી દેવામાં આવ્યાં હતા. જેથી મોડી સાંજ સુઘી નાના બાળકો પોતાનાં ઘરે નહી પહોંચતા વાલીઓ ચિંતામાં મૂકાયા હતા અને બાળકોને લેવા માટે દોડધામ કરી મૂકી હતી.
વાલીઓએ રસ્તા વચ્ચે હોબાળો કર્યો
મળતી માહિતી મુજબ બાળકો બસ સ્ટેશનમાં ઘરે જવા બસની રાહ જોઈ ઊભા છે ત્યારે શાળાના આચાર્ય સહીત વાલીઓ બસ સ્ટેશન પહોંચી કયા કારણોસર બાળકોને અધવચ્ચે રસ્તામાં ઉતાર્યા એ બાબતે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ મથકે આ બાબતે જાણ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષક કલ્પેશભાઈ પટેલ બસસ્ટેશન પહોંચી ગયા હતા. અને બસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી અને સહી સલામત બાળકોને અન્ય બસમાં બેસાડી મોડી સાંજે ઘેર લઈ જવાયા હતા. શુક્રવારે પણ આવી ઘટના બની હોવાનું શાળાના મુખ્ય શિક્ષક કલ્પેશભાઈ પટેલનું કહેવું છે.