રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના રંગપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા સરકાર તમારા દ્વારેના આશ્યથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રંગપુર સહિત આજુબાજુના ગામના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, જાતિનો દાખલો સહિતની 55 જેટલી સેવાઓનો લાભ અપાય છે. હિંમતનગર તાલુકાના નાગરીકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન, મામલતદાર અશોકભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.