હિંમતનગરના પરબડા વિસ્તારમાં આવેલ નવી વસાહતમાં રહેતા એક પરિવારની યુવતીના લગ્ન 11 વર્ષ અગાઉ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારના યુવાન સાથે કરાયા બાદ પતિ, સાસુ અને સસરાએ યુવતીને મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપીને પીયરમાંથી દહેજ પેટે રૂ.1 કરોડ તથા હિંમતનગરમાં આવેલ પ્લોટની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગરની યુવતીએ ત્રણેય સાસરિયા વિરૂધ્ધ બુધવારે મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે ફૌજીયાબેગમ મહોમદશાદીક રેટીયાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન વર્ષ 2013માં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલ વિશાલા સર્કલ પાસેની સમીરા રેસીડેન્સીમાં રહેતા મોહંમદ નૌમાન સમસુદીન ડોઈ સાથે કરાયા હતા. લગ્નના બે વર્ષ બાદ તેણીના પતિ તથા સાસુ આસ્માબેન ડોઈ અને સસરા સમસુદીન ગુલામનબી ડોઈ (હાલ રહે. હિંમતનગર) દ્વારા ફૌજીયાબેગમને નાની નાની બાબતે બોલાચાલી કરી મારઝુડ કરવામાં આવતી હતી. એટલુ જ નહીં પણ સાસુ અને સસરા દ્વારા ફૌજીયાબેગમના પતિ નૌમાન ડોઈને ચઢામણી કરાતી હતી. ત્યારબાદ આ ત્રણેય જણાએ ફૌજીયાબેગમને પીયરમાંથી દહેજ પેટે રૂ.1 કરોડ તથા હિંમતનગરમાં આવેલ પ્લોટની માંગણી કરી હતી. એટલુ જ નહીં પણ ત્રણેય જણાએ એકસંપ થઈને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી પિયર મોકલી દીધા હતા. તેમ છતાં દિકરીનો ઘર સંસાર ન બગડે તે આશયથી ફૌજીયાબેગમના પપ્પા તથા ભાઈએ સામાજીક રીતે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતાં આખરે ફૌજીયાબેગમે બુધવારે પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.