હિંમતનગરની સાબરડેરી નજીક રહેતા એક શખ્સને ઈડર હાઈવે પર આવેલા ધાંણધા વિસ્તારમાં રહેતા તેના કૌટુંબિક કાકાના દિકરાની પત્નિ સાથે પ્રેમ સંબધ હોવાનું ભારે પડયું છે. કાકાના દિકરા સાથે સમાધાન કરવાના બહાને જમવા બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના બની હતી. જેના ગણતરીના કલાકોમાં ગ્રામ્ય પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓએ હત્યામાં વાપરેલો લોંખડનો મોટો સળીયો અને વાંસના ડંડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓને કોર્ટમાં રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કૌટુંબિક કાકાના દિકરાની પત્નિ સાથે પ્રેમસંબધ રાખવા બદલ એક શખ્સને પોતાની જીંદગીની કિંમત ચુકવવી પડી હોવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સાબરડેરી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય દિલીપ સોના વાસફોડા (વાદી)ને તેના કૌટુંબિક કાકાના દિકરા અને ધાંણધા વિસ્તારમાં આવેલી એકતા રેસીડેન્સીમાં રહેતા દિનેશ મદરૂપભાઈ વાદીની પત્નિ સાથે પ્રેમ સંબધ હતો. જેના કારણે અગાઉ દિલીપ અને દિનેશ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અદાવત રાખીને દિનેશે કૌટુંબિક સગા અને દિલીપના મામના દિકરા સુનીલ જોડે દિલીપને ગુરુવારની રાત્રે કોલ કરાવીને સમાધાન કરવાના બહાને જમવા બોલાવ્યો હતો. જેથી દિલીપ તેની એકટિવા જીજે.09.ડીએમ.7432 લઈને પહોંચી ગયો હતો. દરમ્યાન મોડી રાત સુધી ઘરે દિલીપ ના પહોંચતા તેની પત્નિ, દિલીપનો ભાઈ, બહેન અને બનેવી તેની શોધખોળ કરવા ધાંણધા તેમજ ઈડર હાઈવે પર નીકળ્યા હતા. તે દરમ્યાન ઈડર હાઈવે પર આવેલા કનૈયા ડમ્પર પાસે રોડ ઉપર સાઈડમાં એકટીવા દેખાતા તેઓએ નજીક જઈને જોતા દિલીપના મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં દેખાતા તે મૃત હાલતમાં જણાઈ આવ્યો હતો. જેથી સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઈ એચ.આર.હેરભા સહિતની ટીમે તપાસ કરીને મૃતકને ફોન કરીને બોલાવનાર સુનિલ, જેની સાથે સમાધાન કરવા બોલાવેલ તે દિનેશ તેમજ રાહુલ અને સુરેશને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરીને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ ચારેય આરોપીઓના નામ
(1) દિનેશભાઇ મદરૂપભાઇ વાદી (2) સુનીલભાઇ જકશીભાઇ વાદી (બંને રહે. એકતા રેસીડેન્સી, ધાંણધા, હિંમતનગર, મુળ રહે.ભોલેશ્વર, હિંમતનગર) (3) રાહુલભાઇ મદરૂપભાઇ વાદી (રહે.ભોલેશ્વર,ભાટવાસ, હિંમતનગર) (4) સુરેશભાઇ માલાભાઇ વાદી (રહે. ભોલેશ્વર,ભાટવાસ, હિંમતનગર, મુળ રહે.સદરપુર, તા.પાલનપુર, જિ.બનાસકાંઠા)
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મૃતકને શોધવાનો ઢોંગ કર્યો
દિલીપ વાસફોડા (વાદી)ની હત્યા કર્યા બાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જઈને વિખરાઈ ગયા હતા. દરમ્યાન મોડીરાત સુધી ઘરે ના પહોંચતા તેના ભાઈ રવિ, તેની માતા રાધાબેન, બહેન પુનમબેન, બનેવી અલ્પેશ અને મૃતકની પત્નિ તારાબેન શોધતા શોધતા મહેતાપુરા ચોકડી પહોંચ્યા હતા, ત્યારે સુનિલ તેનું બાઈક લઈને ઉભો હતો. તેણે જણાવ્યુ હતુ કે દિલીપ કયાં ગયો છે, તેની ખબર નથી ત્યારબાદ તેણે દિનેશને કોલ કરીને ત્યાં બોલાવ્યો હતો. ત્યારબાદ સુનિલ અને દિનેશ સમગ્ર મામલે અજાણ હોય તેવો ઢોંગ રચીને જેની હત્યા કરી દીધી હતી તે દિલીપને શોધવા અલગ અલગ દિશાએ નીકળી ગયા હતા.