- ડેસ્ક વર્ક કરનારા લોકો રાખો ધ્યાન
- એકની એક જગ્યાએ બેસીને કામ કરવાથી થાય છે સમસ્યાઓ
- ડેસ્ક વર્ક કરનારાએ યોગ્ય સ્થિતિમાં બેસવુ જરૂરી
આજકાલ મોટાભાગના લોકોની લાઇફસ્ટાઇલ બેઠાડી થઇ ગઇ છે. ઑફિસમાં 9 કલાક કામ કરીને ઘરે આવો. તો ઘરે આવીને મોબાઇમાં રચ્યા પચ્યા રહીએ છીએ. પાછુ સવાર પડે એટલે તૈયાર થઇને ઓફિસ. આવુ ઘણા લોકોનું રૂટિન છે. પરંતુ સૌથી વધારે ધ્યાન તો રાખવાની જરૂર છે ઓફિસમાં. કારણ કે આપણે એક જ જગ્યાએ 9 કલાક બેસીને કામ કરીએ છીએ. તેના કારણે વ્યક્તિને શારિરીક સમસ્યાઓ વધી જાય છે. જેમકે વજન વધવુ તથા મેન્ટલ હેલ્થ પર પણ પ્રભાવ પડે છે.
એકની એક જગ્યાએ બેસીને કામ કરવુ યોગ્ય નહી
લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠ, ગરદન અને ખભામાં દુખાવો થઈ શકે છે. વળી ખોટી સ્થિતિમાં બેસવાથી પોસ્ચર પણ ખરાબ થઇ શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્નાયુઓમાં તાણ અને દુખાવો થઈ શકે છે, ખાસ કરીને કાંડા, પીઠ અને ખભામાં. તેથી જો તમારે દરરોજ 8 થી 9 કલાક એક જગ્યાએ બેસીને કામ કરવું હોય, તો તમારે કમર અને ખભાના દુખાવાથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
યોગ્ય સ્થિતિમાં બેસો
ઘણા લોકો નમીને બેસી રહે છે, જેના કારણે ન માત્ર તેમનુ પોસ્ચર બગડે છે પરંતુ તેઓને પીઠ અને ખભાના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આથી તમે ખભો ઢીલો અને પીઠ સીધી રાખીને બેસો. ખુરશીની ઊંચાઈ એવી હોવી જોઈએ કે તમારા પગ સંપૂર્ણપણે જમીન પર અડે. તમારા ઘૂંટણ હિપની ઊંચાઈ પર હોય. ડેસ્કની સામે બેસતી વખતે તમારી ગરદન સીધી રહેવી જોઈએ. આ સાથે આરામદાયક ખુરશી પસંદ કરો.
ટૂંકા વિરામ લો
8 થી 9 કલાક સતત બેસી રહેવું યોગ્ય નથી, તેથી વચ્ચે વચ્ચે થોડો વિરામ લો. તમે બ્રેક લઇને નાની મોટી એક્સરસાઇઝ કરી શકો છો. તમે ખુરશી પર બેસીને પણ આરામથી કસરત કરી શકો છો. લંચ પર જાઓ અને થોડો સમય ચા બ્રેક માટે કાઢો. તમારી પીઠ અને ખભા માટે દરરોજ કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો. આ સ્નાયુઓને છૂટા કરવામાં અને તાણ ઘટાડવામાં મદદ કરી શકે છે.
દરરોજ કસરત કરો
આ સાથે દરરોજ 30 મિનિટ કસરત કરો. જો તમારી પાસે જિમ જવાનો સમય નથી, તો તમે ઘરે જ કેટલીક સરળ કસરતો કરી શકો છો જેમ કે પુશ અપ્સ, પ્લેન્ક, સ્ક્વોટ્સ, જમ્પિંગ જેક વગેરે.