હળવદ શહેરના મહાદેવનગર વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં શિવાલય અને માતાજીના મઢ સહિત રહેણાંક વિસ્તારમાં હાથફેરો કર્યો હતો. જે પૈકી મહાદેવના મંદિરના પૂજારી અને તસ્કર સામસામે આવી ગયા હતા. આ સમયે તસ્કરે પૂજારીનું ગળુ દબાવી પથ્થરના ઘા કર્યાનું જાણવા મળ્યું છે. હળવદ શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે સ્થાનિક પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ પણ માત્ર કાગળ પર થતુ હોય તેમ એક જ રાતમાં તસ્કરો છ સ્થળે ત્રાટકતા શહેરીજનોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.
હળવદ શહેર ખાતે અગાઉ બે દિવસ પહેલા મહર્ષિ ટાઉનશીપમાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તૂટયા હતા. જેમાં બે મકાનમાં ચોરી થઈ હતી. જયારે અન્ય એક મકાનમાં તસ્કરોનો ફેરો ફેગટ થયો હતો. જયારે સોમવારની રાત્રીએ શહેરના વોર્ડ 4માં આવેલા મહાદેવનગર વિસ્તાર માં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં વિસ્તારમાં આવેલા ચામુંડા માતાજીના મઢના તાળા તોડી દાન પેટીમાંથી રૂ. ત્રણ હજારની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા તેમજ વિશ્વા પાર્કમાં રહેતા વાલજીભાઈ પટેલના મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રૂપિયા પંદર હજારની રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જયારે અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યું હોવાનું અને અહીં તસ્કરોને કાઈ હાથ નહીં આવ્યાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હળવદના વોર્ડ નં. 4માં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યું હતું કે ગત વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં હુ મંદિરના પગથિયે જઈ રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા શખ્સે એકાએક મારી સામે ધસી આવીને અચાનક મારું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ તેને પડકારતા મારી ઉપર પથ્થરને ઘા કરતા મેં બુમાબુમ કરતા નાસી છુટયો હતો.