હળવદ શહેરની હાઇવે ટચ કિમતી જમીનની બિન ખેતી થયેલ સમય કરતા માર્જીન ઘટતા આગળની સંપાદન થયેલી જમીન ઉપર મુળ માલિકના નામે ફરીથી માંગણી કરી રીવાઇઝ પ્લાન મંજૂર કરાવવાની પાછળના બારણે રહી રાજકીય આકાઓ દ્વારા તજવીજ શરૂ કરાતા જમીનધારકોએ વાંધો દર્શાવતા કલેકટર દ્વારા સુનાવણી માટે નોટીસ કાઢતા દોડધામ મચી ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરના રાજકીય આકાઓ સતત અનેક બાબતોમાં વિવાદમાં રહેતા હોય છે. ત્યારે હળવદ શહેરની આજુબાજુ અમદાવાદ-માળીયા હાઇવે પસાર થતા જમીન સોના જેવી કિમતી થઇ ગઇ છે. અગાઉ હળવદ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતુ હોઇ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા બિન ખેતી કરાવાઇ છે. ત્યારે હળવદની સર્વે નંબર 1623 પૈકીની જમીન વર્ષ 2004માં બિન ખેતી કરાવાઇ હતી. જે સમયે હાઇવેથી 40 મીટર માર્જીન મુકવાની શરત હતી. પરંતુ હાલ હળવદ પાલિકા વિસ્તારના કારણે 24 મીટર મારજીન મુકવાનો નિયમ જણાવાઇ રહયો છે. ત્યારે 1623 પૈકીની જમીનના પ્લોટધારકોએ 40 મીટર માર્જીન છોડેલુ છે. એની આગળનું વધારાના ખુલ્લા મારજીનની જગ્યા ઉપર કાયદેસર કબજો જમાવવા માટે મુળ માલીકના પુત્ર દ્વારા અરજી કરી રીવાઇઝ પ્લાન મંજૂર કરાવવાની તજવીજ શરૂ કરાતા સમગ્ર્ર હળવદ પંથકમાં ચકચાર મચી ગયેલ છે. આ કામમાં મોરબી કલેકટર સહિતના અધિકારીઓ પોતાના કહેવામાં હોવાનો રાજકીય આકાઓ ગણગણાટ કરી રહયા છે. ત્યારે જો રોડ ઉપર હોવાનુ માનીને લીધેલી જમીન ધારકોની આગળની મારજીન વાળી જમીન વર્ષો બાદ આવી રીતે મુળ માલિકને મોરબી કલેકટર દ્વારા ફાળવી દેવાય તો મોટાપાયે હોબાળો થાય એવા એધાણ વર્તાઇ રહયા છે. તા. 4-10-24એ કલેકટર દ્વારા વાંધા સુનાવણી માટે નોટીસો પણ પાઠવેલ છે. ત્યારે હવે આ ગંભીર મામલે કલેકટર દ્વારા કેવા પગલાં લેવાય છે? એની સામે સમગ્ર હળવદ પંથકના લોકોની નજર મંડાયેલી છે.
20 વર્ષ બાદ ખુલ્લી જમીન પડાવી લેવાનો કારસો | 20 વર્ષ પહેલાં આ જમીન સુરેન્દ્રનગર કલેકટર દ્વારા બિન ખેતી કરાઇ હતી. ત્યારબાદ રોડથી 40 મીટર મારજીન મુકાયુ હતુ. હવે હળવદ મોરબી જિલ્લામાં આવ્યા બાદ શહેરી વિસ્તારના કારણે મારજીન હાલ માત્ર 24 મીટર મુકવાનુ હોય છે. જેથી આગળની જમીન ઉપર કોમ્પલેક્ષ બનાવવા માટે મુળ માલિકના વારસદારે કાર્યવાહી શરૂ કરાતા ચકચાર મચી ગયેલ છે.
જમીન વેચી દીધા બાદ હક રહેતો જ નથી | નિવૃત ડેપ્યુટી કલેકટરે જણાવેલ કે જમીન બિનખેતી કર્યા બાદ વેચી દીધા પછી મુળ માલીકનો કોઇ હકક જ નથી રહેતો અને આવી રીતે માર્જીન ઘડયા બાદ ફરીથી ખુલ્લી જમીન મુળ માલિકને આપવામાં આવે તો એ ગેરકાયદેસર ગણાય.