હળવદ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ગેરકાયદે ધમધમતા નોનવેજના હાટડા સામે કાર્યવાહીની માંગ ઉઠયા બાદ નગરપાલિકાએ હરકતમાં આવી અને શુક્રવારે શહેરમાં ગેરકાયદે ચાલતી એક નોનવેજની હાટડીઓ ઉપર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં હળવદની બજારમાં એક ઝબલાની અંદર નોનવેજના કટકા ભર્યા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેને પગલે હિન્દુ સંગઠનોએ નગરમાં ગેરકાયદે ચાલતા નોનવેજના હાટડાઓ બંધ કરાવવા પાલિકા અને પોલીસને રજૂઆત કરી હતી. જેને પગલે આજે નગરપાલિકાએ હરકતમાં આવી પોલીસને સાથે રાખીને રેલવે સ્ટેશન પાસે ગેરકાયદે ધમધમતી અબ્બાસભાઈ કટિયાની દુકાનમાં રેડ પાડી હતી. આ દરમિયાન નગરપાલિકાએ દુકાનમાંથી 72 જીવતી મરઘી, ઇંડાની 30 પ્લેટ, દોઢ કિલો ચિકન, 2 કિલો મચ્છી, 3 છરા, 4 લાકડા, બે વજન કાંટા સહિતની વસ્તુઓ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.